NAVSARIVANSADA

હનુમાનબારી ગામે શિક્ષણ પ્રત્યે અનોખી સેવાભાવના: 43 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 490 નોટબુકનું વિતરણ

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

વાંસદા તા.૭: શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉમદા હેતુથી વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે તેમજ તેમના અભ્યાસમાં સહાયરૂપ બને તેવો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.

કાર્યક્રમમાં શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થાના વિધવા સહાય કન્વીનર નરેન્દ્રભાઈ બી. સોલંકી, હિતેશભાઈ વી. પરમાર, રમેશભાઈ પી. પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વાંસદા તાલુકાના માજી તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ, ધીરેનભાઈ સોલંકી, જીગ્નેશભાઈ સોલંકી, મનોજભાઈ સોલંકી, નિલેશભાઈ સોલંકી, નવનીતભાઈ સોલંકી, અશોકભાઈ સોલંકી, નટવરભાઈ સોલંકી, મંજુબેન સોલંકી, નિતેશભાઈ સોલંકી સહિતના સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી મજબૂત સાધન છે અને આવા સેવાકીય કાર્યો દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ હાર્દિક બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજના આગેવાનોનો પ્રશંસનીય પ્રયાસથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..

Back to top button
error: Content is protected !!