NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં એલ.સી. નં. 126 રેલવે ફાટક બે મહિના માટે બંધ રહેશે, ટ્રાફિકને લઈને તંત્ર એલર્ટ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

Screenshot

નવસારી, તા. 06 જૂન: નવસારી શહેર અને આસપાસના વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવસારી જિલ્લાના વેજલપોર વિસ્તારમાં આવેલા રેલવે ઓવર બ્રિજ (ROB)ના નિર્માણ કાર્યને ઝડપી અને સલામત રીતે પૂર્ણ કરવા માટે રેલવે ફાટક એલ.સી. નં. 126આગામી અંદાજે બે મહિના સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ-દાંડી માર્ગ (NH-64) પર દાંડીથી શિવાજી ચોક સુધીના માર્ગ ઉપર પશ્ચિમ રેલવેના મુંબઈ-દિલ્હી ટ્રંક રૂટ પર આવેલા એલ.સી. નં. 126ના સ્થાને રેલવે ઓવર બ્રિજ બનાવવાનું મહત્વાકાંક્ષી કાર્ય ચાલી રહ્યું છે. હાલ શહેર બાજુએ સર્વિસ રોડનું કામ પ્રગતિમાં છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્વિસ રોડના કામ દરમિયાન મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાથી કામમાં વિલંબ સર્જાયો છે. બીજી તરફ રેલવે વિભાગ દ્વારા ફાટક નજીક ચારેય તરફથી કામગીરી શરૂ કરવાની હોવાથી વાહનવ્યવહાર ચાલુ રાખવો ટ્રાફિક અને સલામતીની દૃષ્ટિએ મુશ્કેલ બન્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગના કાર્યપાલક ઇજનેરે નવસારી મહાનગરપાલિકાને જાહેરનામું પ્રસિદ્ધ કરી વાહનચાલકોને અગાઉથી જાણ કરવા વિનંતી કરી છે. ફાટક બંધ રહેવાના સમયગાળા દરમિયાન વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવા માટે પણ સૂચના આપવામાં આવશે.

સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને થોડો સમય અગવડતા ભોગવવી પડી શકે છે, પરંતુ લાંબા ગાળે રેલવે ઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે અને મુસાફરી વધુ સુરક્ષિત તથા સુગમ બનશે.

Back to top button
error: Content is protected !!