NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી-જલાલપોર સંકલન બેઠકમાં જનતાના પ્રશ્નો મુદ્દે GUDC અને DGVCL સામે કમિશનરનો કડક વલણ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી, તા. 06 જૂન, નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે નવસારી અને જલાલપોર વિધાનસભા વિસ્તારની સંકલન-ફરિયાદ સમિતિની બેઠક ધારાસભ્ય આર.સી. પટેલ અને રાકેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર **જયેશ ઉપાધ્યાય (IAS)**એ જનતાના પડતર પ્રશ્નો અંગે GUDC અને DGVCLના અધિકારીઓનો ઉધડો લીધો હતો.

જલાલપોર વિસ્તારમાં વરસાદી પાણીની લાઈન, આર.સી.સી. રોડ, પાણી પુરવઠો, વિજલપોર ઓવરબ્રિજ, શાકભાજી માર્કેટ અને ચંદનવન તળાવના બ્યુટીફિકેશન સહિતના અનેક વિકાસકાર્યોમાં થયેલા વિલંબ બદલ અધિકારીઓને તાત્કાલિક કામગીરીના આદેશ અપાયા હતા.

નવસારી વિસ્તારમાં રિંગરોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા, વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ઉકેલવા, બોક્સ ડ્રેઈનની સફાઈ તથા વિવિધ રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં સૌથી વધુ ટીકાનો ભોગ DGVCL બન્યું હતું. શહેરના આશરે 240 ટ્રાન્સફોર્મર પોઈન્ટ આસપાસ ફેલાતી ગંદકી અંગે કમિશનરશ્રીએ કડક નારાજગી વ્યક્ત કરી તમામ સ્થળોએ બેરિકેડિંગ અને સ્વચ્છતા જાળવવા તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

કમિશનરશ્રીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે પ્રજાના પ્રશ્નોમાં બેદરકારી દાખવનાર કોઈપણ વિભાગ કે અધિકારી સામે હવે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જનહિતના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તંત્રને જવાબદારીપૂર્વક કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!