GUJARATKUTCHMUNDRA

મુંદરા બી. એડ. કોલેજના પ્રાચાર્ય ડો. લાલજીભાઈ ફફલ વયનિવૃત્ત થતા સન્માનભરી વિદાય અપાઈ

કચ્છના શિક્ષણ જગતના બાબાસાહેબ તરીકે જાણીતા લાલજી માસ્તરને ભાવભરી વિદાય આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.

મુંદરા,તા. 27 માર્ચ : અત્રેની આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.ડી.શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન (બી.એડ. કોલેજ) ના પ્રાચાર્ય ડો.લાલજીભાઈ વી. ફફલ વયનિવૃત્ત થતા સન્માનભરી વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત “વંદે દેવી શારદે” પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો અને સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વાલબાઈએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.

પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી વયનિવૃત્ત થઈ રહેલા ડો.ફ્ફલે ભાવવિભોર શૈલીમાં વક્તવ્ય આપતા સ્વ. મરીઝના ગઝલની પંક્તિ “બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જયાં મળે, બધાના વિચાર દે. સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે, અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે. દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.” થી શરૂઆત કરી શિક્ષણ જગતમાં કચ્છના આંબેડકરનું બિરુદ અપાવવા સુધીની સફરમાં ટ્રસ્ટીગણ, અધ્યાપકો, કોલેજનો તમામ સ્ટાફ તથા તાલીમાર્થીઓની મહેનત અને ટીમવર્કને બિરદાવી આ સંસ્થાનો ઋણ હું ક્યારેય પણ ચૂકવી નહીં શકું એવું ગદગદિત સ્વરે જણાવીને પોતાનું વક્તવ્ય પૂરું કરતા સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો અને ત્યારે જ બેક ગ્રાઉન્ડમાં વાગેલ ગીત “યે જીવન હૈ.. ઇસ જીવન કા યહી હે રૂપ રંગ.. થોડે ગમ હૈ.. થોડી ખુશીયા..” સાંભળીને સૌની આંખો ભરાઈ આવી હતી.

પ્રાસંગિક પ્રવચન કરતા કચ્છ યુનિવર્સીટીના શિક્ષણ શાસ્ત્ર ભવનના ડીન પ્રો.ડી.એમ. બકરાણીયાએ આજે વિદાય નહીં પણ જીવનની એક નવી શરૂઆત છે એમ જણાવી યુનિવર્સીટીમાં પોતાના અનુભવનો લાભ આપવા સહર્ષ આમત્રંણ આપ્યું હતું. તથા નવનિયુક્ત વ્યવસ્થાપક સમિતિ લાંબા સમય સુધી સેવા આપે એવી શુભેચ્છા પાઠવી હતી. રાજીવ ત્રિવેદીએ આધુનિક યુગના ઋષિ ડો.ફફલને નિષ્ઠાના પર્યાયનું બિરુદ આપ્યું હતું.

સામુહિક આરોગ્ય કેન્દ્ર મુંદરાના અધિક્ષક ડો. મંથન એલ. ફ્ફલે જણાવ્યું કે, શીખતાં શીખતાં શીખડાવવું એ જેનો જીવનમંત્ર છે એવા અમારા સમાજમાં “લાલજી માસ્તર” તરીકે જાણીતા પિતાનો દીકરો હોવાનું મને ગર્વ છે. પિતાના પગલે ગઝલના શોખીન ડો.મંથને પણ ભગવતીકુમાર શર્માની પંક્તિ “આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે, આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.” નો ઉલ્લેખ કરી એમના જીવન ઝરમરની યાદો ટૂંકમાં વર્ણવી હતી.

વ્યવસ્થાપક સમિતિના સભ્ય ભુપેન મહેતાએ એમની જીવનશૈલી અને દેખાવની સાથે જ્ઞાનની બાબતમાં પણ ડો.આંબેડકર સાથે સરખામણી કરી હતી. સિનિયર પ્રો.કમળાબેન કામોલે કોલેજને યુ.જી.સી.માંથી 50 લાખ જેટલી માતબાર રકમ મંજુર કરાવીને કોલેજને અધતન ટેક્નોલોજીથી સુસજ્જ બનાવવામાં ડો. ફફલનો સિંહ ફાળો હોવાનું જણાવ્યું હતું.

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી મુંદરાના કેન્દ્ર સંચાલક અને પ્રો. ડો. કૈલાસ નાંઢાએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (નેક) દ્વારા થયેલ મૂલ્યાંકનમાં “બી” ગ્રેડ મેળવી શૈક્ષણિક જગતમાં કોલેજને પોતાની આગવી ઓળખ અપાવનાર ડો.ફફલની ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતા જોઈને તમામ સ્ટાફ નિયમિત થયાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તમામ પ્રોફેસરને લેપટોપ, દરેક રૂમમાં એલ.ઈ.ડી./મોબાઈલ પ્રોજેક્ટર લગાવીને તાલીમાર્થીઓને ડીઝીટલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું.

સંસ્કૃતના પ્રો. ડો.હિતેશ કાગથરાએ આભાર માનતા જણાવ્યું કે કાયદા અને નિયમોનો અભ્યાસ કરી 100 પાનાની ફાઈલ તૈયાર કરી પોતાને ફાજલ થતા બચાવનાર ડો.ફફલે કોલેજને શૈક્ષણિક જગતનો આઈ.એસ.આઈ. માર્કો અપાવ્યાની વાત કરી હતી.

હિન્દીના પ્રો. ડો.દિપક પંડયાએ સંસ્કૃત શ્લોકથી શરૂઆત કરીને મહાભારતનો મત્સ્યવેધ પ્રસંગ ટાંકીને કૃષ્ણ ભગવાનની જેમ પાણીને સ્થિર રાખવાનું કાર્ય કરનારની ભૂમિકા નિભાવવાની વાત કરી હતી. ગુજરાતીના પ્રો. ડો. દિનેશ પટેલે ઉમાશંકર જોશીની પંક્તિ “મારું જીવન એ જ મારી વાણી, બીજું બધુ ઝાકળ પાણી”નો ઉલ્લેખ કરી ડો.ફફલના શ્રેષ્ઠ શ્રોતાના ગુણને બિરદાવતા તેમની વયનિવૃત્તિ, વ્યવસ્થાપક સમિતિનો આવકાર કાર્યક્રમ તથા બીજા વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ એમ ત્રિવિધ કાર્યક્રમના સંગમ થયાની વાત કરી હતી.

ગણિત વિજ્ઞાનના નવનિયુક્ત પ્રો.મોનાલીબેન પરમારે ડો. ફ્ફલની વિદાય અંત નહીં પરંતુ એક નવા અધ્યાયની શરૂઆત હોવાનું જણાવી ભવિષ્યમાં પણ એમનો સાથ સહકાર સંસ્થાને મળતો રહેશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

વ્યવસ્થાપક સમિતિના નવનિયુક્ત પ્રમુખ ડાયાલાલ દેવજીભાઈ આહીરે ડો. ફફલને “ભલો માડું આય” એમ કચ્છીમાં કહી તેમના ગુણોને બિરદાવી કાયમ માટે સંસ્થાના દરવાજા ખુલ્લા રહેશે એવી ખાત્રી આપી હતી.

માનદમંત્રી કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, સહમંત્રી ભરત જયંતિલાલ જોશી, ખજાનચી પ્રકાશ રેવાલાલ પાટીદાર, ઇન્ટરનલ ઓડિટર જગનેશ ચમનલાલ ભટ્ટ અને સભ્ય મહેશ મોહનલાલ દેસાઈ, સચીન ચુનીલાલ ગણાત્રા, ભૂપેન હરસુખલાલ મહેતા, પ્રકાશ ગોપાલજી ઠક્કર, ગૌરાંગ રાજેન્દ્ર ત્રિવેદી, હેત દિલીપભાઈ આહિર હાજર રહ્યા હતા. તથા તેમની સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડો.દિપક ખરાડી, પી.ટી.સી. કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્ર કુબાવત, આર. ડી. હાઈસ્કૂલના આચાર્ય સ્નેહલ વ્યાસ, સી.કે.એમ. કન્યા વિદ્યાલયના આચાર્યા દમયંતીબેન પરમાર, આર. ડી. પ્રાથમિક શાળાના આચાર્ય વાલજી મહેશ્વરી, લુણંગધામ શાળાના આચાર્ય રામજીભાઈ, ગૃહપતિ રામસીંભાઈ અને પુજારી મગનદાદા, આરોગ્ય ખાતાના મેઘજી સોધમ, પ્રકાશ ઠકકર, પૂર્વ ક્લાર્ક રાજુભાઈ જાની, હિંમત સોલંકી વગેરે હાજર રહ્યા હતા. તાલીમાર્થીઓ, સ્ટાફ તથા મહેમાનો દ્વારા ફફલસાહેબનું સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક કૃતિ રાધા-કૃષ્ણ નૃત્ય, નાટક અને સમુહનૃત્યની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથે જ સાહેબના સમગ્ર જીવનનું પ્રતિનિધિત્વ કરતી વિડીઓ કલીપનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થી સિરાજ નોડે દ્વારા પણ તેમની સ્વરચિત રચના કચ્છીયતનું પઠન કરવામાં આવ્યું હતું. ડો.ફફલના સમગ્ર જીવનની ઝાંખી કરાવતા પ્રશસ્તિપત્રનું વાંચન મોનાલીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ભૂતપૂર્વ તાલીમાર્થી અને અહેવાલ સમિતિના અધ્યક્ષા તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરે વર્ષ 22-24 દરમ્યાન વિવિધ વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થયેલ 500 જેટલી પ્રેસનોટમાંથી પસંદ કરેલ 160 પ્રેસનોટનો સંગ્રહ ડો.ફફલસાહેબને અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ડો.ફફલના ધર્મપત્ની નિર્મલાબેન ફફલ અને સુપુત્ર ડો.મંથન ફફલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તાલીમાર્થી ગૌરવ ગોર અને નેહલબેન ગઢવીએ તેમનું વક્તવ્ય આપ્યું હતું. આભારવિધિ મનસ્વીબા રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. સંચાલન પ્રિયંકાબેન સાખરા અને નાગશ્રીબેન ગેલવા દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!