વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગામડામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.રવિવારે પણ આખો દિવસ સાર્વત્રિક વરસાદ ચાલુ જ રહેતા સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.ચોમાસાની આ જમાવટથી ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ રોપણી માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે.ડાંગ જિલ્લામાં વરસાદની મોસમ જામતા જ પ્રવાસન સ્થળોનાં સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે.આથી જ, રવિવારની રજા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ડાંગ જિલ્લાનાં જોવાલાયક પ્રવાસન સ્થળો તરફ ઉમટી પડ્યા હતા.જેમાં ગિરિમથક સાપુતારા,બોટાનિકલ ગાર્ડન,વઘઇનો ગીરા ધોધ,ગીરમાળનો ગીરાધોધ, મહાલ કેમ્પ સાઈટ, કીલાદ કેમ્પ સાઈટ,દેવીનામાળ કેમ્પ સાઈટ,પાંડવગુફા,અંજનીકુંડ શબરીધામ,પંપા સરોવર,ડોન હિલ રિસોર્ટ સહીત નાના મોટા જળધોધ ખાતે પ્રવાસીઓની ચિક્કાર ભીડ જોવા મળી હતી.ગુજરાતનાં ખૂણેખૂણેથી અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા માટે ડાંગ પહોંચ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ગાઢ ધુમ્મસીયા વાતાવરણમાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડતા જોવાલાયક સ્થળોએ ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.સાપુતારા સહીત ઘાટમાર્ગમાં દિવસ દરમ્યાન ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહનચાલકોને સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ અને લીલાછમ હરિયાળા વાતાવરણની વચ્ચે પ્રવાસીઓએ સેલ્ફી લેવા અને યાદગાર પળોને કેમેરામાં કેદ કરવા માટે પડાપડી કરી હતી.રવિવારે પ્રવાસન સ્થળોએ ઠેર ઠેર નાના-મોટા ધાબા અને રેસ્ટોરન્ટ સહિત ખાણી પીણીની લારીઓ પ્રવાસીઓથી ભરચક જોવા મળતા ધંધાર્થીઓનાં બખા થઈ જવા પામ્યા હતા.સતત વરસાદનાં પગલે ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડ નદીઓ ઘોડાપૂર પ્રવાહ સાથે ગાંડીતૂર બની છે.નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા તે બન્ને કાંઠે થઈ વહી રહી છે.આ ઉપરાંત, ડાંગના અનેક નાના-મોટા જળધોધ પણ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયા છે.ગીરા ધોધ સહીતનાં નાના મોટા જળધોધ પાણીનાં પ્રવાહ સાથે નયનરમ્ય દ્રશ્યો સર્જી રહ્યા છે.વધુમાં રવિવારે,સાપુતારા,સુબિર અને વઘઇ તાલુકાનાં ઉપરવાસમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા અંબિકા,પૂર્ણા અને ગીરા ગાંડીતુર બની હતી.ડાંગની,અંબિકા,પૂર્ણા અને ગીરાનાં જળસ્તરમાં વધારો થતા વઘઇ તાલુકાનાં 07 જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 15થી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથકેથી સંપર્કવિહોણા બન્યા હતા.વઘઈ તાલુકાનાં ખાતળ ફાટકથી ઘોડી રોડ,ઘોડવહળ વીએ રોડ,માછળી દિવડ્યાઆવન રોડ,ભેંસકાતરી આસરીયા રોડ,ખાતળ માછળી રોડ,વાંઝટઆંબા કોયલીપાડા રોડ,આહેરડી બોરદહાડ રોડ રવિવારે દિવસ દરમ્યાન અવરોધાતા બંધ થયા હતા.જેના પગલે 15 થી વધુ ગામોનું જનજીવન અને પશુપાલન પ્રભાવિત થયુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 47 મિમી અર્થાત 1.88 ઈંચ,આહવા પંથકમાં 73 મિમી અર્થાત 2.92 ઈંચ,વઘઇ પંથકમાં 85 મિમી અર્થાત 3.4 ઈંચ, જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 137 મિમી અર્થાત 5.48 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..



