GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દેશસેવકની કદર: માજી સૈનિકને ખેતીની જમીન ખરીદવા મળ્યું ‘ખેડૂત પ્રમાણપત્ર’

તા.12/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

દેશની સરહદો પર અહોરાત ખડેપગે રહીને રાષ્ટ્રનું રક્ષણ કરતા અને અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપદાઓ સમયે જાનના જોખમે સેવા આપતા સંરક્ષણ દળના જવાનોની અપ્રતિમ સેવાની કદરરૂપે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયેલો છે. આ જોગવાઈ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ઉમરડા ગામના માજી સૈનિકને નાયબ કલેકટર મકવાણાના હસ્તે વિધિવત રીતે “ખેડૂત પ્રમાણપત્ર” એનાયત કરવામાં આવ્યું છે મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક: (૧).જમન- ૩૯૯૮- ૩૨૯૦(૧)-અ તા.૧૫/૦૨/૧૯૮૯ (૨)જમન- ૩૯૯૮- ૨૬૩૭- અ.તા. ૨૭/૦૩/૨૦૦૧ (૩) ગણત/૧૭૯૯/વીઆઈપી-૨ તા. ૨૭/૦૯/ ૨૦૦૧ની આ ઠરાવોની જોગવાઈ મુજબ ગુજરાતના વતની હોય તેવા સંરક્ષણ દળના માજી સૈનિકોને પોતાની આજીવિકા માટે ખેતી કરવા જો સરકારી પડતર જમીન ફાળવવામાં આવી ન હોય અથવા સાંથણીમાં જમીન આપી શકાય તેમ ન હોય, તો પણ તેઓ પોતાની રીતે ખેતીની જમીન ખરીદી શકે તે માટે તેઓને “ખેડૂત” તરીકેનો દરજ્જો આપવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. મોજે ઉમરડા તા. મૂળીના વતની અરજદાર રણછોડભાઈ લાખાભાઈ ધીયડ દ્વારા ભારતીય લશ્કરમાં (આર્મીમાં) સતત ૧૫ વર્ષ, ૦૫ મહિના અને ૦૬ દિવસ સુધી નિષ્ઠાપૂર્વક દેશસેવા બજાવીને તા. ૩૧/૧૨/૨૦૧૮ ના રોજ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પોતાની આજીવિકા અને ખેતીવિષયક હેતુ માટે જમીન ખરીદવાની ઈચ્છાથી તેઓએ સરકારના નિયમોનુસાર નાયબ કલેકટર કચેરી ખાતે ખેડૂત પ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી. રણછોડભાઈ ધીયડની અરજીના અનુસંધાને કચેરી દ્વારા તમામ સાધનિક કાગળો અને પાત્રતાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. તમામ નિયમો અને જોગવાઈઓને આધીન પાત્રતા ઠરતા, આજે તા. ૧૧/૦૮/૨૦૨૬ ના રોજ નાયબ કલેકટર મકવાણા દ્વારા રણછોડભાઈને વિધિવત રીતે “ખેડૂત પ્રમાણપત્ર” સુપ્રત કરવામાં આવ્યું હતું. દેશની સરહદો સાચવનાર જવાનને નિવૃત્તિ બાદ જમીન ખરીદીને સન્માનપૂર્વક ખેતી કરવાનો માર્ગ મોકળો થતાં માજી સૈનિક અને તેમના પરિવારે ખુશી વ્યક્ત કરી કચેરીનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!