દાહોદ જિલ્લામાં પ્રથમવાર 8 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો પ્રારંભ : હવે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં ઘરઆંગણે પહોંચશે આરોગ્ય સેવાઓ

તા.૧૪.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં પ્રથમવાર 8 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો પ્રારંભ : હવે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં ઘરઆંગણે પહોંચશે આરોગ્ય સેવાઓ
દાહોદ જિલ્લાના અંતરિયાળ, પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસતા નાગરિકો માટે આરોગ્ય સેવાઓ હવે વધુ ઝડપી, સરળ અને સુલભ બનવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં પ્રથમવાર 8 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સેવાઓનું શુભ પ્રસ્થાન ગરબાડા ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તથા ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હોલિસ્ટિક હેલ્થકેર’ અને ‘લાસ્ટ માઈલ સર્વિસ ડિલિવરી’ એટલે કે છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના સંકલ્પને સાકાર કરતી આ પહેલ દાહોદ જિલ્લાના આદિજાતિ અને દુર્ગમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.આ ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ ખાસ કરીને એવા વિસ્તારો માટે તૈયાર કરવામાં આવી છે જ્યાં મોટા વાહનો પહોંચી શકતા નથી અથવા ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. હવે આરોગ્ય કર્મચારીઓ ટુ-વ્હીલર મારફતે સીધા ગામો અને ફળિયાઓ સુધી પહોંચી લોકોને સ્થળ પર જ વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા ઉપલબ્ધ સેવાઓમાં મુખ્યત્વે ઘરઆંગણે નિઃશુલ્ક આરોગ્ય તપાસ બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની તપાસ મેલેરિયા સહિત જરૂરી પ્રાથમિક લેબોરેટરી તપાસ જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ જરૂરિયાત મુજબ ઉચ્ચ સારવાર માટે યોગ્ય આરોગ્ય સંસ્થામાં રિફરલ સેવા.દાહોદ જિલ્લામાં કુલ 8 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ ફાળવવામાં આવી છે, જે ગરબાડા, ઝાલોદ, ફતેપુરા, ધાનપુર, દેવગઢ બારિયા, લીમખેડા, સિંગવડ અને સંજેલી તાલુકાઓમાં સેવા આપશે. આ સેવાઓ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અવિનાશ ડામોર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ નવતર પહેલ દાહોદ જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાનો નવો અધ્યાય શરૂ કરશે અને “રસ્તો ભલે નાનો હોય, પણ સેવા મોટી મળશે” ના સંકલ્પને સાકાર કરતી સરકારની જનકલ્યાણકારી પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે





