પાલેજ GIDCમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:સુયોગ કંપનીમાંથી 1.78 લાખની ચોરી કરનાર 5 આરોપી પકડાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ
પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સુયોગ કંપનીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂ. 38,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કંપનીના સ્ટોરરૂમમાંથી રૂ. 1,78,000ની કિંમતના વિવિધ મશીનો અને ભાગોની ચોરી થઈ હતી. ચોરી થયેલા સામાનમાં લિફટર, ફ્લાન્સ, ઇલેક્ટ્રીક મોટર, બર્નર ઢાકણ, કોન્વેયર બેલ્ટ રોટર અને મીલ ડાયફોર્મનો સમાવેશ થાય છે. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશનમાં IPC 2023ની કલમ 305(A), 331(4), 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પાલેજ પોલીસ સ્ટેશનના PI કે.આર.વ્યાસે વિવિધ ટીમો રચી તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. તપાસમાં ચાર ચોર અને ચોરીના માલના ખરીદનાર સહિત પાંચ આરોપીઓ પકડાયા છે.
પકડાયેલા આરોપીઓમાં અક્ષય હિમ્મતભાઇ પટેલ, અજય અશોકભાઇ વસાવા, નીતીન જશુભાઇ વસાવા, રાજેશ ટીનાભાઇ વસાવા અને સંજય ચંદુભાઇ વસાવાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાસરોડ ગામના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી રૂ. 20,000ની કિંમતની 10 HP ઇલેક્ટ્રીક મોટર અને રૂ. 18,000ની કિંમતની 6 લોખંડની પ્લેટો કબજે કરી છે. પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે.