લોકકલાકાર જીગ્નેશ કવિરાજ મુશ્કેલીમાં: ‘તું ના પીવે તો મારી ભાભી ના હમ’ ગીતમાં દારૂના દ્રશ્યો બતાવવા બદલ DGPને લેખિત ફરિયાદ

તા.14/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ગુજરાતના જાણીતા લોકકલાકાર જીગ્નેશ કવિરાજ તેમના નવા ગીતને લઈને વિવાદમાં સપડાયા છે. તાજેતરમાં લોન્ચ થયેલા તેમના નવા ગીત **તું ના પીવે તો મારી ભાભી ના હમ’**માં દારૂનું સેવન કરતા દ્રશ્યો દર્શાવવા બદલ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના યુવકે ગુજરાત રાજ્યના પોલીસ વડાને લેખિત તથા ઓનલાઈન ફરિયાદ કરી છે. દસાડા તાલુકાના અરજદાર બાવળીયા ગણેશભાઈ જેસીંગભાઇ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે આ ગીતના વીડિયોમાં કલાકારો દ્વારા જાહેરમાં દારૂની બોટલો, ગ્લાસ અને દારૂનું સેવન કરતા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારના દ્રશ્યો યુવાધન અને સામાન્ય લોકોને દારૂના સેવન માટે પ્રોત્સાહિત તેમજ પ્રેરિત કરી શકે છે. નિયમ મુજબ જો વીડિયોમાં દારૂ કે ધૂમ્રપાન જેવા દ્રશ્યો હોય, તો સ્ક્રીન પર “દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે” કે “દારૂ જીવલેણ નીવડી શકે છે” જેવી વૈધાનિક ચેતવણી દર્શાવવી ફરજિયાત હોય છે. આ ગીતમાં આ પ્રકારની કોઈ પણ સૂચના લખવામાં આવી નથી, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અરજદાર ગણેશભાઈ બાવળીયાએ DGPને મોકલેલી અરજી સાથે ગીતના વીડિયો ક્લિપિંગ્સ અને જરૂરી પુરાવાઓ પણ રજૂ કર્યા છે. તેમણે માંગ કરી છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનાર કલાકાર અને સંબંધિત ટીમ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે આ મામલે યુવક દ્વારા ઓનલાઈન રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિવાદ બાદ હવે પોલીસ વિભાગ અરજીના આધારે તપાસ હાથ ધરશે અને તપાસના અંતે જ આગળના કાનૂની પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.




