વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ નવેમ્બર : ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક ફાર્મર આઈ.ડી. બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ કરાવવાની રહે છે. ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈ.ડી. થકી યુનિક ઓળખાણ મળશે. આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતોના સત્યાયન થકી લાભ મળી શકશે. આ આઈ.ડી. થકી ખેતીવાડી અને ધિરાણ સબંધી લાભો સરળ રીતે મળી શકશે. આગામી સમયમાં કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે (૧) પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (૨) લઘુત્તમ ટેકાના ભાવની યોજના (૩) કિસાન ક્રેડીટ કાર્ડની યોજના (૪) નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (૫) પ્રધાનમંત્રી ફસલ બીમા ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનોમાં લાભ મેળવવા માટે ખેડૂત આઈ.ડી. ફરજિયાત કરાશે. જેથી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનોમાં લાભ મળી રહેશે.ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે ઈ-ધરા કેન્દ્ર પર VCE મારફત, CSC સેન્ટર અથવા ખેડૂત ખાતેદાર જાતે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પરથી સેલ્ફ રજિસ્ટ્રેશન થકી નોંધણી કરી શકશે. જે માટે આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ જમીનના સર્વે નંબર (૭/૧૨ અને ૮/અ ની નકલ)આપવા પડશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રૂ।. ૨૦૦૦/- નો આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરાયેલ છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવો.