વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ વન વિભાગ ડાંગ હસ્તકની શામગહાન રેંજમાં લાગુ ધૂમખલ પ્લાન્ટેશન નર્સરી વિસ્તારમાં ગત રવિવારે રાત્રીનાં અરસા એક દીપડી બે બચ્ચા સાથે શિકારની શોધમાં નીકળી હતી.અહી રાત્રીનાં અરસામાં દીપડી બન્ને બચ્ચાઓ સાથે શિકારની શોધમાં ભટકતી ભટકતી ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનાં કમાઉન્ડમાં ઘુસી ગઈ હતી.અને પ્લાન્ટેશન નર્સરી નજીકનાં કુવા પાસેથી પસાર થતી વેળાએ બચ્ચુ કદાચ કુદકા મારતી વેળાએ કૂવામાં પડી ગયુ હતુ. જેમાં સોમવારે વહેલી સવારે ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનો વોચમેન કુવાની મોટર ચાલુ કરવા માટે ગયો હતો.અહી વોચમેનને કુવામાંથી ઘુરકવાનો અવાજ આવતા તેને કૂવામાં ડોક્યુ કરતા દીપડીનું બચ્ચુ દેખાયુ હતુ. જેથી વોચમેને તુરંત જ શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા.સ્થળ પર આર.એફ.ઓ ચિરાગભાઈ માછીની ટીમે નેટ અને દોરડા વડે કુવામાંથી દીપડીનાં બચ્ચાનું સહીસલામત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢયુ હતુ. હાલમાં શામગહાન રેંજ કચેરી દ્વારા આ બચ્ચાને સહીસલામત રેસ્ક્યુ કરી સારવાર માટે દક્ષિણ વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટરનાં ઓબ્ઝર્વેશનમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બાબતે શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીએ જણાવ્યુ હતુ કે ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનાં કૂવામાં અનાયાસે પડી ગયેલ દિપડીનાં બચ્ચાનું અમારી ટીમે સહીસલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢેલ છે.હાલમાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.નિરજકુમારનાં માર્ગદર્શન હેઠળ અમોએ આ બચ્ચાને રેસ્ક્યુ સેન્ટરનાં ઓબ્ઝર્વેશનમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.આ બચ્ચાની સાથે તેની દીપડી માતા તથા અન્ય એક બચ્ચુ પણ આસપાસનાં જંગલ વિસ્તારમાં ફરતા હોય તેવુ જાણવા મળેલ છે.જેથી આ બચ્ચાને શોધવા માતા દીપડી આવી શકે છે.તેમજ દીપડી કોઈને નુકસાન ન કરે તેની કાળજી રાખી ધૂમખલ નર્સરી નજીક વધુ પાંજરા ગોઠવી દીપડીને પકડી આ બચ્ચાને મિલાપ કરાવવા માટેનાં અમારા સઘન પ્રયાસો ચાલી રહ્યા છે..



