ગોમા નદીના કિનારે જુગારનો અડ્ડો ઉઘાડો પડ્યો: કાલોલ પોલીસે 10 ઈસમોને 11 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

તારીખ ૧૬/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લાના કાલોલ ટાઉન વિસ્તારમાં આવેલ ગોમા નદીની ધસ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ૧૦ ઇસમોને કાલોલ પોલીસે રેડ પાડીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી જુગારના સાધનો અને રોકડ રકમ સહિત કુલ રૂપીયા ૧૧,૧૩૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારના રોજ રાત્રે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર ડી ભરવાડ તથા પીએસઆઇ એસ આર મકવાણા અને પોલીસ કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે, ગોમા નદીની ધસ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પત્તા-પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બે પંચોના માણસોને સાથે રાખી રાત્રે આશરે ૨૨:૪૫ વાગ્યે સદર જગ્યાએ રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને ઘટનાસ્થળેથી તમામ ૧૦ ઇસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગારના દાવ ઉપરથી કુલ રૂપીયા ૫,૬૨૦/- તથા પકડાયેલા આરોપીઓની અંગ ઝડતીમાંથી અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂપીયા ૫,૫૧૦/- તેમજ ગંજીપાના નંગ-૫૨ જપ્ત કર્યા હતા. આમ, પોલીસે કુલ રૂપીયા ૧૧,૧૩૦/- નો મુદ્દામાલ કબજે કરી કાલોલ પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.







