વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી સર.જે.જે.પ્રાયમરી સ્કૂલમાં બાળકોના એકધારા અભ્યાસ થી મન વાળવા જુનિયર કે.જી. ના બાળકો માટે થોડી આનંદની ક્ષણો સમેટી લેવાના હેતુથી બાળકો માટે ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને શિક્ષકોએ શાળામાં રમત રમાડવાનું વિચારી, વર્ગનાં દરેક બાળકો તેમના મિત્રો સાથે રમત રમી શકે અને આજ પ્રયોજનથી આવા ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના દરેક શિક્ષકોએ પણ બાળકો સાથે બાળક બની જઈ રમતમાં ભાગ લીધો હતો અને તેમને રમતના નિયમોની સમજ પાડી હતી.
શાળાના આચાર્યો શ્રીમતી કડોદવાલાએ પણ બાળકોનો ઉત્સાહ વધારવા હાજર રહ્યા હતા. બાળકોને સંગીત ખુરશીની રમત રમાડવામાં આવી હતી. જેમાં સંગીતના અવાજે બાળકો રમવાનું શરૂ અને સંગીતના અવાજ બંધ થતાં બાળકો ગોઠવેલી ખુરશી પર બેસી જાય. બાળકોની સંખ્યા કરતાં એક ખુરશી ઓછી મૂકતાં એક બાળક આઉટ થઈ જાય અને આ રીતે ગેમ રમાડી હતી. કાર્યક્રમના નિર્ણાયક શ્રી તરીકે શાળાના શિક્ષિકા ટીનાઝબેન પટેલે સેવા બજાવી હતી.
બીજી રમતમાં બાળકોએ પાણી ભરેલી ડોલ માંથી મગ વડે બાજુમાં રાખેલ બાટલી ભરવાની હતી. જે બાળક વહેલા બાટલી ભરે તે વિજેતા. આ રમત દરમ્યાન બાળકની ધીરજ, ચપળતાની કસોટી કરવામાં આવી હતી બાળકો ખૂબ જ ધીરજથી પાણી ભરી રહયા હતા. બાળકોને તેમના વિજેતા થવા બદલ પ્રથમ, દ્વિતીય તૃતીય નંબર જાહેર કરી તેમને સર્ટીફિકેટથી નવાજવામાં આવ્યા હતા. દરેક બાળકોના ચહેરા પર રમતનો આનંદ અનુભવાતો હતો.