GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત સરકાર કુપોષણને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ, 18,231 નવજાતના જન્મના 24 કલાકમાં મોત

કુપોષણમુક્ત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. સાથે સાથે કુપોષણ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં બાળ મૃત્યુદરમાં સુધારો થઈ શક્યો નથી. કેગના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, છેલ્લાં પાંચેક વર્ષમાં જ જન્મના 24 કલાકમાં 18,231 નવજાત શિશુઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 83,538 નવજાત શિશુઓ એક વર્ષ પણ જીવિત રહી શક્યા નહીં. આમ, ગુજરાત સરકાર કુપોષણને કાબૂમાં લેવામાં સંદતર નિષ્ફળ નિવડી છે.

ગુજરાતમાં સગર્ભાઓના પોષણના, નામે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ઓછું વજન અને અપૂરતી વૃદ્ધિ ધરાવતાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. સાથે સાથે નવજાત શિશુઓનો મૃત્યુદર પણ વધી રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત સરકારે કુપોષણ પાછળ રૂ. 509 કરોડનો ખર્ચ કર્યો છે તેમ છતાં આજે ગુજરાતમાં 5.40 લાખ બાળકો કુપોષિત છે.

પૂરતા આહાર-વિટામીનને લીધે કુપોષણનું પ્રમાણ ઘટ્યું નથી. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે તેમ છતાંય કુપોષણની લડાઈમાં અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત ઘણું પાછળ રહ્યું છે. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વર્ષ 2017-18થી માંડીને વર્ષ 2022-23 સુધીમાં જન્મના 24 કલાકમાં મૃત્યુ પામ્યા હોય તેવા નવજાત શિશુઓની સંખ્યા 18,231 છે. આનો અર્થ એ છે કે, દર વર્ષ સરેરાશ 3000 શિશુ હૉસ્પિટલના બિછાને જ મોતને ભેટે છે. પાંચ વર્ષમાં 83,538 નવજાત શિશુઓ સારવાર છતાંય એક વર્ષ પણ જીવિત રહી શક્યા નથી.

આ ઉપરાંત ઓછું વજન-અપૂરતી વૃદ્ધિને કારણે નવજાત શિશુઓ મૃત્યુ પામે છે. આ સમયગાળા દરમિયાન, 8,12,886 નવજાત શિશુઓના જન્મ થયાં જેમનું વજન અઢી કિલોથી પણ ઓછું રહ્યું હતું. માતાઓને પોષણયુક્ત આહાર ન મળતાં કુપોષિત શિશુનો જન્મ થાય છે. રાષ્ટ્રિય પોષણ મિશનની ગાઇડલાઇન 2017 મુજબ ઓછું વજન ધરાવતા શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો થઈ શક્યો નથી. આજે પણ ગુજરાતમાં 2.5 કિલોથી ઓછું વજન ધરાવતા નવજાત શિશુઓની ટકાવારી 11.63 રહી છે. આમ, નવજાત શિશુઓનો મૃત્યુદર ચિંતાજનક હદે વધી રહ્યો છે ત્યારે કુપોષણમુક્ત ગુજરાતની કડવી વાસ્તવિકતાનો ચિતાર ખુલ્લો પડ્યો છે.

જે નવજાત શિશુ અતિ ગંભીર કુપોષણનો શિકાર હોય તેમને વધુ સારવાર આપવા માટે ન્યુટ્રિશિનલ રિહેબિલિટેશન સેન્ટર્સ બનાવવા નક્કી કર્યું હતું. કેગે નોધ્યું કે, સાત જિલ્લામાં આવી કોઈ આરોગ્ય સુવિધા જ ઊભી કરવામાં આવી નહીં, નવજાત શિશુનો મૃત્યુ દર ઘટાડવા માટે ન્યુટ્રિશિનલ રિહેબિલિટેશન સેન્ટર્સ બનાવવા જરૂરી છે ત્યારે અરવલ્લી, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર, મોરબી અને પોરબંદરમાં ન્યુટ્રિશિનલ રિહેબિલીટેશન સેન્ટર્સ જ બનાવવામાં આવ્યા ન હતા.

કુપોષણથી પીડિત નવજાત શિશુઓની ઓળખ કરાઈ હતી જેમાં 8.82 લાખ શિશુઓ અતિ ગંભીર કુપોષણથી પીડાતા હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય કર્મચારીએ ઘેર ઘેર જઈને શિશુઓના આરોગ્યની ચકાસણી કરવાની હતી પણ માત્ર 94,000 શિશુઓની જ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 1.63 લાખ શિશુઓને કુપોષણ સારવાર કેન્દ્રો પર લઈ જવાયા હતા. આમ, શિશુઓના આરોગ્યની ચકાસણી કરવામાં સદંતર નિષ્કાળજી દાખવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!