GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્ને સરકારી કર્મચારીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ

સત્યાગ્રહ છાવણીમાં પોલીસના ધાડેધાડા ઊતર્યા

ગાંધીનગર તા. ૨૩
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ સરકારી કર્મચારીઓ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓના જિલ્લા કક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું છે. થોડા સમય અગાઉ કાળી પટ્ટી અને કાળા કપડા પહેરી ફરજ બજાવ્યા બાદ કર્મચારીઓ હવે વધુ આક્રમક બન્યા છે. આજે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો સહિતના કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના પણ ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજી રહેલા કર્મચારી આગેવાનોએ એવો હુંકાર કર્યો હતો કે, ‘સરકાર આપેલા વચનો પૂરા કરે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ જંપીશું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ પણ કરી દેવાઈ છે. જે અન્વયે આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ ગાંધીનગરથી ફરીવાર  આંદોલનનાં શ્રી ગણેશ કર્યા હતા,  સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડયા હતા જેને લઈ સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લે બંધી કરી હતી. ૧૦ હજારથી પણ વધુ કર્મચારીઓ ઉમટી પડતાં પોલિસ પણ દોડતી થઈ હતી. પોલિસના નેગેટિવ રિપોર્ટના કારણે ધરણાને મામલતદાર તરફથી મંજૂરી ન મળતા સ્ટેજ, મંડપ, લાઉડ સ્પીકર વગર પણ કર્મચારીઓ તડકામાં સત્યાગ્રહ છાવણીમાં બેસી રહ્યા હતા. જે.સી.બી.ના બકેટને સ્ટેજ બનાવીને કર્મચારી આગેવાનોએ ઉપસ્થિતોને સંબોધ્યા હતા.
      દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પ્રબળ બની છે. જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર કેટલાય સમયથી રાજ્યના શિક્ષકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં બધા જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગારી યોજના દૂર કરવા અને સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા નક્કી થયેલા આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગ રૂપે આ આંદોલન છેડાયું છે. સભાને ગુજરાત રાજ્ય સયુંક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતિષ પટેલ, કિરીટસિંહ ચાવડા, ભરત ચૌધરી સહિતના આગેવાનોએ સંબોધી હતી અને જણાવ્યું હતું કે આગામી સમયમાં સરકાર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી નહી થાય તો આંદોલનને વધુ જલદ બનાવાશે અને આંદોલનને રાષ્ટ્રિય સ્તરે લઈ જવાશે.
      કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા , ધર્મેન્દ્રસિંહ જાડેજા, રામુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, જીતેન્દ્ર પટેલ , દિવ્યરાજસિંહ જાડેજા, પંકજ પટેલ સહિતના આગેવાનોની રાહબરી હેઠળ બહોળી સંખ્યામાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!