વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-30 નવેમ્બર : જૂથ અને રોકાણકારો માટે ફરી એકવાર સારા સમાચાર આવ્યા છે. દુબઈ, ઈઝરાયેલ, શ્રીલંકા, તાંઝાનીયાએ વિશ્વાસ અકબંધ રાખ્યા બાદ હવે જાપાનની બેંકોએ પણ અદાણી ગ્રુપ સાથે સબંધો જાળવી રાખવાનું મન બનાવી રાખ્યું છે. વળી CRISIL રેટિંગ્સે પણ અદાણી ગ્રૂપનું પોઝિટીવ આઉટલૂક જાળવી રાખ્યું છે. શેરબજારમાં શુક્રવારે અદાણી જૂથની કંપનીઓમાં સતત તોફાની તેજી યથાવત રહી છે. જાપાનની સૌથી મોટી બેંકો ગૌતમ અદાણીની કંપની સાથે સંબંધો જાળવી રાખવાની યોજના ધરાવે છે. રોકડ-ઉત્પાદક સંપત્તિઓને સમર્થન આપી રહેલા મૂડી-સમૃદ્ધ જાપાનીઝ ધિરાણકર્તાઓ અદાણીથી સંતુષ્ટ છે. યુએસમાં (DOJ) લાંચના આરોપો હોવા છતાં બાર્કલેઝ પીએલસી સહિત અન્ય વૈશ્વિક કંપનીઓ અદાણી જૂથ સાથેના તેમના સંપર્કોનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે. મિઝુહો ફાઇનાન્સિયલ ગ્રૂપ ઇન્ક.નું માનવું છે કે અદાણી જૂથ પર લાગેલા આરોપો લાંબા સમય સુધી અસર કરશે નહીં. તેથી તે અદાણી જૂથને સમર્થન આપવાનું ચાલુ રાખવાનો ઇરાદો ધરાવે છે. સુમિતોમો મિત્સુઇ ફાઇનાન્શિયલ ગ્રૂપ ઇન્ક. અને મિત્સુબિશી UFJ ફાઇનાન્શિયલ ગ્રૂપ ઇન્ક.ની પણ અદાણીને ટેકો પાછા ખેંચવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે, “90 ના દાયકામાં દક્ષિણપૂર્વ એશિયામાં અનુભવોમાંથી પ્રેરણા લઈને જાપાની બેંકોએ ઉભરતા બજારના જોખમોનું મૂલ્યાંકન કરવા માટે અત્યાધુનિક માળખું વિકસાવ્યું છે,” અદાણી પર સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવા માટે $250 મિલિયનની યોજના ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, વિશાળ પોર્ટ-ટુ-પાવર અદાણી જૂથે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા હતા. અદાણીના સરકારી સંબંધો મજબૂત છે. વળી નિષ્ણાતોના મતે યુએસ દ્વારા લાવવામાં આવેલા આરોપો બાદ કોઈપણ કાનૂની પ્રક્રિયામાં લાંબો સમય લાગશે. આ તરફ CRISIL રેટિંગ્સે અદાણી ગ્રૂપ પર પોઝીટીવ આઉટલૂક જાળવી રાખ્યું છે. CRISIL રેટિંગ્સે કંપનીની મજબૂત નાણાકીય અને વ્યવસાયિક જોખમ પ્રોફાઇલને કારણ તરીકે દર્શાવ્યું છે. CRISIL રેટિંગ્સે અદાણી ગ્રૂપની ઈન્ફ્રા અને હોલ્ડિંગ એન્ટિટીના રેટિંગમાં કોઈ ફેરફાર કર્યો નથી. CRISIL એ વાત સ્વીકારી છે કે યુએસની કાયદાકીય કાર્યવાહી જૂથ પર અસર કરી શકે છે, પરંતુ એજન્સીએ સ્પષ્ટતા પણ કરી છે કે, ધિરાણકર્તાઓ અથવા રોકાણકારો દ્વારા અત્યાર સુધી દેવાની ચુકવણી અથવા ઉધાર ખર્ચમાં ફેરફાર જેવી કોઈ નકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.CRISIL રેટિંગ્સે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે માનીએ છીએ કે અદાણી ગ્રૂપ પાસે નાણાકીય બજારો અને મૂડીની ભાવિ ઉપલબ્ધતાના આધારે કેટલાક મૂડી ખર્ચ ઘટાડવાની સુગમતા છે.’ CRISIL રેટિંગ્સ માને છે કે ગ્રૂપનો ઓપરેશનલ કેશ ફ્લો અને લિક્વિડિટી સ્થિતિ મધ્યમ ગાળામાં લોનની શરતો અને આયોજિત રોકાણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પર્યાપ્ત છે.FY24 માટે જૂથનો EBITDA રૂ. 82,917 કરોડ હતો. જ્યારે ડેટ રેશિયો 2.19 ગણો હતો, જે મેનેજેબલ છે. 8 લિસ્ટેડ એન્ટિટીમાં રૂ. 53,000 કરોડની સારી રોકડ રકમ પણ છે.દરમિયાન અદાણી એનર્જી સોલ્યુશન્સમાં લગભગ એક વર્ષમાં સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો થયો હતો, શુક્રવારે તે 19.66% વધીને રૂ. 869.75 પ્રતિ શેર પર પહોંચ્યો હતો. તો અદાણી ગ્રીન એનર્જીનો શેર 21% વધીને રૂ.1315.50 પર બંધ રહ્યો હતો. હકારાત્મક સમર્થનને પગલે થયેલો ઉછાળો રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. એક્સચેન્જ ડેટા મુજબ, શેરનું ટ્રેડિંગ વોલ્યુમ 30-દિવસની સરેરાશ કરતાં લગભગ છ ગણું વધ્યું હતું.