Gondal: “બાળકોની કિલકારીઓથી શાળાઓ ગુંજી ઉઠી” ગોંડલ તાલુકાની ત્રણ શાળાઓમાં ૧૨૭ બાળકોનો થયો શાળા પ્રવેશ
તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫” ના અંતિમ દિવસે રાજકોટના ગોંડલ તાલુકાના લુણીવાવ, વેજાગામ અને અનિડા ભાલોડી ગામની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકામાં, ધોરણ-૧ અને ધોરણ-૯ માં કુલ મળીને ૧૨૭ જેટલા વિદ્યાર્થીઓનો આનંદભેર શાળાપ્રવેશ કરાવાયો હતો.
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરાના અધ્યક્ષતામાં યોજાયેલ
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ગોંડલ તાલુકાના સી.ડી.પી.ઓ. કોમલબેન ઠાકર તથા વેજાગામના સરપંચ શ્રી વર્ષાબેન ભાલાળાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ તકે મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને અને આંગણવાડીના બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે જ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ, મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના, NMMS, CED નુ મેરીટ મેળવનાર વિદ્યાર્થીઓનું આમંત્રિતોએ સન્માન કર્યું હતું. પ્રાથમિક શાળાઓના ઉત્સવ માટે દાતાઓ તરફથી શૈક્ષણિક કીટ મળી હતી, જે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોનું કુમકુમ પગલા કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
તમામ શાળાના બાળકોએ પર્યાવરણ, બેટી બચાવો બેટી પઢાવો, સામાજિક ઉત્થાન, નારી શક્તિ શિક્ષણનું મહત્વ જેવા વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતા.
આ તકે અનિડા ભાલોડી ગામના સરપંચ શ્રી સામતભાઈ બાંભવા, લુણીવાવ પ્રા. શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ડોબરીયા, વેજાગામ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સામાજિક આગેવાનો, તમામ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, શિક્ષકો વાલીઓ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.