BHUJGUJARATKUTCH

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુજના સુંદરમનગરખાતે પર્યાવરણ શુદ્ધિ અને વર્ષા મહાયજ્ઞમાં સમસ્ત માનવજાતના કલ્યાણની કામના કરી.

ઘર ઘરમાં પ્રાચીનભારતની શ્રેષ્ઠત્તમ દેન સમાન યજ્ઞની પરંપરા પુન: શરૂ થવી જોઇએ : આચાર્ય દેવવ્રતજી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૫ જૂન : પર્યાવરણની શુદ્ધિ તથા સંતુલન, સમસ્ત જીવના કલ્યાણ અર્થે તેમજ શ્રીકાર વરસાદની શુભભાવના સાથે ભુજના સુંદરમનગર ખાતે સમસ્ત જીવકલ્યાણ સમિતિ તથા આર્ય સમાજ દ્વારા સાત દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ યજ્ઞમાં આહુતિ આપીને આ મહા યજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો. લોકકલ્યાણની કામના કરીને આહુતિ આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રકૃતિના પ્રકોપથી બચવા ઇશ્વરીય વ્યવસ્થામાં જીવનદાતા તત્વોનું દોહન અટકાવીને તેને પુષ્ટ કરવા એ આજની જરૂરીયાત છે. પર્યાવરણના પંચદેવતાઓને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન યજ્ઞ છે. કારણ કે, યજ્ઞમાં આહુત થનાર પદાર્થ નષ્ટ નથી થતો પરંતુ પદાર્થવિદ્યા મુજબ પરમાણુકૃત થઇને વાતાવરણમાં ભળે છે. પ્રાણીમાત્રના કલ્યાણના સાધન સમાન યજ્ઞને ફરી અપનાવવાના આહ્વાન સાથે ઘર ઘર યજ્ઞની પરંપરા શરૂ કરવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. દાનવોથી યજ્ઞોની રક્ષા શ્રી રામે કરી હોવાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાચીન ભારતમાં વિવિધ કામનાપૂર્તિ માટે રાજાઓ યજ્ઞો કરતા હોવાનું જણાવી યજ્ઞોને માત્ર ધાર્મિક નહી પરંતુ વૈજ્ઞાનિક કર્મ ગણાવ્યું હતું. તેમણે આયોજકોને વિશ્વ કલ્યાણ તથા પર્યાવરણના સતુંલન માટે કરાતા આ યજ્ઞકર્મ બદલ અભિનંદન આપતાં ઉમેર્યું હતું કે, વેદોમાં યજ્ઞને દુનિયામાં સૌથી શ્રેષ્ઠતમ કર્મ ગણાવ્યું છે, તે પવિત્ર, પુણ્યદાતા છે.આ પ્રસંગે રાજયપાલએ પર્યાવરણ રક્ષા અને વર્ષા મહાયજ્ઞમાં રૂ. 2.51 લાખનું દાન જાહેર કરીને જનહિત માટે કરાતા આ સમગ્ર આયોજનને અભિનંદન આપ્યા હતા. આચાર્ય દેવવ્રતજીએ આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરતાં જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદજીએ લોકોને વેદો તરફ પાછા વાળવા સાથે હિંદુઓને કુરીતીથી દુર કર્યા હતા. ઉપરાંત સ્વામીજીએ ગૌ કૃષિ રક્ષિણી સભાની સ્થાપના કરીને ભારતના આર્થિક મજબુતિકરણ માટે ગાય આધારિત ખેતી પર ભાર મુક્યો હતો. જે તેમની દિર્ધદષ્ટિ સૂચવે છે.રાજ્યપાલ રાસાયણિક ખેતીને રોગોની જનની ગણાવીને તેના કારણે જમીન, હવા, પાણીને થયેલા નુકશાનને સમજાવતાં ખેડૂતોને ગૌ-આધારિત ખેતી અપનાવવા પર ભાર મુક્યો હતો. આ સાથે જ ગ્લોબલ વોર્મીંગ સહિતના અનેક પ્રશ્નોને નાથવા દરેક નાગરિકને વ્યકિતગત કે સામાજિક કે ધાર્મિક પ્રસંગોએ વૃક્ષો વાવવા તથા તેનો ઉછેર કરવા સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.રાજ્યપાલએ આ પ્રસંગે યજ્ઞનો ત્રિવિધ અર્થ સમજાવતાં દેવપુજા, સંગતિકરણ તથા દાનનો મહિમા સમજાવીને તેમાંથી શીખ લઇને જીવનમાં પ્રેરણા લેવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, દેવપૂજામાં જડ અને ચેતન બંને દેવોનો સમાવેશ થાય છે. જીવનદાતા પ્રકૃતિ તત્વોને તેમણે દેવતાગણીને તેના જતન માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. યજ્ઞનો બીજો ઉપદેશ સંગતીકરણ અને ત્રીજો ઉપદેશ દાનનો મહિમા વર્ણવતા નાગરિકોને એકતા, પારિવારીક ભાવના સાથે રહીને દેવસમાન માતા-પિતા, વડીલો તથા ગાય સહિતની કરાતી અવગણનાને અનુચિત ગણાવીને ભારતીય પરંપરા મુજબ તેમને સન્માન આપવા, તેમની સેવા કરવા અને તેમને સાથે રાખવાની શીખ આપી હતી.આ યજ્ઞમાં આગેવાનો વસંતકુમાર ઠક્કર,પ્રભુલાલ ધોળુ, છગનલાલ ધોળુ, દીપક પટેલ, જયદીપ પટેલ, અલ્પેશ પટેલ તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાંત અધિકારી ડાૅ.અનિલ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!