
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૨૪ જુલાઈ : કચ્છ જિલ્લાના બે દિવસીય મુલાકાતે પધારેલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ,ગાંધીનગરના ચેરમેન હિમાંજય પાલીવાલ આજરોજ માધાપર ખાતે આર્ષ અધ્યયન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી સાથે ચેરમેન એ શ્રીમદ્ ભગવદ ગીતા અને સંસ્કૃત સાહિત્યના વિવિધ અમૂલ્ય ગ્રંથો વિશે ચર્ચા કરી હતી. સંસ્કૃત ભાષાનું ગૌરવ વધે, વિકાસ થાય અને સંવર્ધન થાય તે માટેના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની બહોળી ચર્ચા ચેરમેન દ્વારા આજની મુલાકાત વખતે કરવામાં આવી હતી. શ્રીમદ્ ભગવદ ગીતાને સમગ્ર રાજ્ય સાથે દેશભરમાં પ્રસિદ્ધિ મળે અને ગૌરવ વધે તે માટેની બોર્ડની યોજનાઓ વિશે ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ચેરમેનશ્રી દ્વારા સંસ્કૃત બોર્ડ દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે પણ સઘન ચર્ચા કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષાના ગૌરવ અને વિકાસ માટે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરાયા હતા. કાર્યક્રમ વ્યવસ્થા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી જી.જી.નાકર અને જીગર દવે દ્વારા સંભાળવામાં આવી હતી.




