BHUJGUJARATKUTCH

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના રૂ.૯૮૬ કરોડના વીજ પ્રોજેક્ટ્સનું ભુજ ખાતેથી થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

નવા સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન નેટવર્કના સશક્તિકરણ થકી રાજ્યના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને મળશે વિકાસની નવી રાહ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-24 મે : આગામી તા.૨૬ મે ના રોજ ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસની ઉજવણી થવા જઈ રહી છે.જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગર, અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં રૂ.૯૮૬ કરોડના વીજ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યના ઔદ્યોગિક, કૃષિ અને રહેણાંક વિસ્તારોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં મદદરૂપ થશે.વીજ ક્ષેત્રના આ નવીનતમ પ્રોજેક્ટ્સ આપશે ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને વેગ આ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૨૪૬ કરોડના ખર્ચે ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠાને સાતત્યપૂર્ણ બનાવશે. જેમાં રૂ.૭૫ કરોડના ખર્ચે લોકાર્પિત થનાર જામનગર જિલ્લાના ૧૩૨ KV કનસુમરા સબસ્ટેશન થકી જામનગરના GIDC વિસ્તારમાં સતત અને અવિરત વીજ પુરવઠો મળી રહેશે. જે ઉદ્યોગોની વધતી વીજ માંગને સંતોષવામાં મદદ કરશે. આ ઉપરાંત, જામનગર શહેરી વિસ્તારમાં પણ વીજ પુરવઠો સુધરશે. આ સાથે જ રૂ.૧૨૫ કરોડના ખર્ચે જામનગરના લાલપુર તાલુકાના ૨૨૦ KV બબરઝર સબસ્ટેશનનું પણ લોકાપર્ણ કરવામાં આવશે. જે જામનગર અને આસપાસના વિસ્તારોમાં સૌર અને પવન ઉર્જાના ઉત્પાદનને મુખ્ય ગ્રીડ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પુનઃપ્રાપ્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકાશે. તેમજ ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં પણ મદદરૂપ થશે. સાથે જ જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં રૂ.૪૬ કરોડના ખર્ચે લોકાર્પિત થનાર HTLS વીજ વહન ક્ષમતામાં વધારો કરશે તેમજ ગ્રાહકોની વધારાની વીજ માંગ પુરી કરશે અને ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં સહાયરૂપ થશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ હયાત HTLS માળખામાં જ સ્થાપિત હોવાથી નવી જમીનની જરૂરિયાત રહેશે નહીં.વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત થકી નખાશે ભવિષ્યના વિકાસનો પાયો આ સાથે જ વડાપ્રધાનશ્રી દ્વારા રૂ.૭૪૦ કરોડના ખર્ચે બે નવા પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ કરવામાં આવશે, જે ગુજરાતના ભવિષ્યના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. જેમાં રૂ.૩૯૦ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે ૪૪૦ KVના બે સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR) માં આવનારી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝની વીજ માંગને પહોંચી વળવા માટે અત્યાધુનિક વીજ માળખું ઊભું કરશે. આ પ્રોજેક્ટ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૭ને વેગ આપશે અને અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે.તેમજ રૂ.૩૫૦ કરોડના ખર્ચે રાપર તાલુકાના મેવાસા ખાતે ૪૦૦ KV સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરાશે જે કચ્છ વિસ્તારમાં સૌર અને પવન ઉર્જાના ઉત્પાદનને મુખ્ય ગ્રીડ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે, તેમજ આ સબસ્ટેશનના માધ્યમથી પુનઃપ્રાપ્ય ઉર્જાનો પણ મહત્તમ લાભ લઈ શકાશે. આ પ્રોજેક્ટ કચ્છ જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં પણ મદદરૂપ થશે.આ પ્રોજેક્ટ્સ ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓનું પ્રતિબિંબ છે, જે રાજ્યના નાગરિકો અને ઉદ્યોગોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ નવા સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન નેટવર્કના સશક્તિકરણથી રાજ્યના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.

Back to top button
error: Content is protected !!