GUJARATKUTCHNAKHATRANA

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા “હમારા વિદ્યાલય હમારા તીર્થ” અભિયાન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-જૂન ૨૩ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક અનોખી અને મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. “હમારા વિદ્યાલય હમારા તીર્થ” નામનું આ અભિયાન શાળાઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપી, સંસ્કાર અને સંસ્કૃતિ સભર વાતાવરણનું નિર્માણ કરીને શાળાઓને તીર્થ સમાન બનાવવાનો ભગીરથ પ્રયાસ છે.આ અભિયાન અંતર્ગત અખિલ ભારતીય બે દિવસીય કાર્યશાળા આગામી ૨૭-૨૮ જૂન, ૨૦૨૫ ના રોજ કર્ણાવતી (અમદાવાદ) ખાતે યોજાશે. આ કાર્યશાળામાં સમગ્ર દેશમાંથી ૮૦ થી વધુ પદાધિકારીઓને પ્રશિક્ષિત કરવામાં આવશે, જેઓ આ અભિનવ સંકલ્પને દેશભરમાં સાકાર કરવામાં મદદરૂપ થશે. ગુજરાતમાં પ્રારંભિક તબક્કે ૧૦૦૦ શાળાઓને આ પહેલમાં જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ કાર્યશાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય બૌધિક પ્રમુખ સુનિલભાઈ મહેતાનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર તથા રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણલાલ ગુપ્તા પણ ઉપસ્થિત રહેશે. શિક્ષણવિદ અને સાહિત્યકાર હનુમાનસિંહ રાઠોડ (રાજસ્થાન) ની વિશેષ ઉપસ્થિતિ માર્ગદર્શક બનશે. રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિત તેમજ “હમારા વિદ્યાલય હમારા તીર્થ” ના સંયોજક ભગવતીસિંહ (ઉત્તર પ્રદેશ) તથા સહ-સંયોજક લછીરામ ઇંગ્લે (મધ્યપ્રદેશ) અને બલવીર નેગી (હિમાચલ પ્રદેશ) નું પણ માર્ગદર્શન મળશે.

ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત શિક્ષણ, શિક્ષકોની વિવિધ માંગણીઓ અને શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે સંસ્થા અધ્યયનનો સમય, સ્વચ્છતા, સહયોગ, સ્પર્ધા, અનોખી પહેલ, વાલી-શિક્ષક સંવાદ, શ્રમાનુભવ, સામુહિક પ્રદર્શન અને શિક્ષક-વિદ્યાર્થી ઉપસ્થિતિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં કાર્ય કરશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે ગુજરાત સરકારના (કેબિનેટ) શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ સાહેબ તથા શિક્ષણ મંત્રી શ્રી (રાજ્ય કક્ષા) પ્રફુલભાઈ પાનસેરીયા પણ સંકલ્પબદ્ધ છે. ત્યારે ABRSM ની આ પહેલ શિક્ષકો અને શાળાઓ સુધી પહોંચે તે માટે સંગઠન સંપૂર્ણ પ્રયત્નશીલ રહેશે. આ માટે સંગઠન આગામી સમયમાં રાજ્ય, સંભાગ, જિલ્લા અને તાલુકા સ્તરે વ્યાખ્યાન, કાર્યશાળા, અભ્યાસ વર્ગ અને બેઠકોનું આયોજન કરશે.

Back to top button
error: Content is protected !!