હેલમેટ ફરજિયાત થતાં અંકલેશ્વરમાં હેલમેટની ખરીદીમાં ધસારો:દુકાનોમાં લાંબી લાઈનો જોવા મળી, 300થી 800 રૂપિયામાં ખરીદી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસે હેલમેટ ફરજિયાત કર્યા બાદ હેલમેટના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અંકલેશ્વરમાં હેલમેટ વેચતી દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
પોલીસના આ નિર્ણયને વાહનચાલકો પણ આવકારી રહ્યા છે. લોકો 300થી 800 રૂપિયાની રેન્જમાં હેલમેટ ખરીદી રહ્યા છે. હેલમેટ ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ થાય છે. આ રકમમાં નવું હેલમેટ ખરીદી શકાય છે, જેથી લોકો હેલમેટ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
અંકલેશ્વર પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન એક જ દિવસમાં 344 વાહનચાલકો પાસેથી 1.72 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ છે. કેટલાક વાહનચાલકોએ સૂચન કર્યું છે કે દંડ વસૂલવાને બદલે પોલીસે વાહનચાલકોને હેલમેટ આપવા જોઈએ.
આ નિયમના કારણે લોકોમાં સલામતી અંગે જાગૃતિ આવી છે. હેલમેટની દુકાનો પર ગ્રાહકોની સતત ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ પણ વધેલી માગને પહોંચી વળવા પ્રયત્નશીલ છે.