ANANDANAND CITY / TALUKOGUJARAT

આઈસીડીએસ ઘટક આણંદ-૪ દ્વારા રાસનોલ સેજામાં કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો*

આઈસીડીએસ ઘટક આણંદ-૪ દ્વારા રાસનોલ સેજામાં કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

તાહિર મેમણ – આણંદ – 13/07/2026 – આણંદ – આઈસીડીએસ (ICDS) ઘટક આણંદ-૪ ના રાસનોલ સેજા ખાતે સીડીપીઓશ્રીના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકો માટે એક ખાસ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
કેમ્પ દરમિયાન આરબીએસકેના મેડિકલ ઓફિસર દ્વારા ૬૦ જેટલા કુપોષિત બાળકોની ઝીણવટભરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મંદ બાળકોને યોગ્ય તબીબી સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓને સંબોધિત કરતા સીડીપીઓશ્રી દિવ્યાબેન પંજાબી દ્વારા આઈસીડીએસ યોજના અંતર્ગત બાળકો, કિશોરીઓ, સગર્ભા તેમજ ધાત્રી માતાઓ માટે ઉપલબ્ધ વિવિધ સેવાઓ અને સરકારી લાભો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ગ્રામજનોને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રેરિત કર્યા હતા.
આ ઉપરાંત, કેમ્પમાં હાજર રહેલા એક દિવ્યાંગ બાળકના વાલી સાથે રૂબરૂ પરામર્શ કરીને મેડિકલ ઓફિસર દ્વારા સૂચવવામાં આવેલી સારવાર સમયસર મેળવવા માટે ખાસ સમજણ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
કેમ્પમાં આરબીએસકેના મેડિકલ ઓફિસર દ્વારા બાળકોમાં કુપોષણની સમસ્યાને જડમૂળથી અટકાવવા માટે રાખવી પડતી તકેદારીઓ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા બજારુ અને જંક ફૂડથી દૂર રહેવા અને તેના બદલે પોષક તત્વોથી સભર ઘરનો ખોરાક આપવા અંગે ખાસ ભારપૂર્વક અપીલ કરી હતી.
આ કેમ્પમાં આઈસીડીએસ ઘટક આણંદ-૪ ના સીડીપીઓ અને સ્ટાફ, આરબીએસકે (RBSK – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમ, સ્થાનિક ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!