
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, તા-12 જૂન : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–ગુજરાત દ્વારા આજે પ્રાંત સ્તરીય પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2010 પૂર્વે નિયુક્ત સમગ્ર ભારતના અંદાજે 25 લાખ તથા ગુજરાતના આશરે 75 હજાર શિક્ષકોના સેવા હિતોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર સમક્ષ કાયદાકીય અને નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી.પ્રેસ વાર્તામાં જણાવાયું હતું કે તા. 23 ઓગસ્ટ, 2010ના રોજ એનસીટીઈ દ્વારા જાહેર કરાયેલી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સંબંધિત અધિસૂચના તથા માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના તા. 29 મે, 2026ના નિર્ણયના અનુસંધાનમાં વર્ષ 2010 પૂર્વે નિયુક્ત થયેલા શિક્ષકોના હિતો અંગે સંગઠન દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.મહાસંઘે સ્પષ્ટ કર્યું કે તે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનો સંપૂર્ણ સન્માન કરે છે અને તેનો કોઈપણ પ્રકારનો વિરોધ કે અનાદર કરવાનો તેનો હેતુ નથી. જોકે લાખો શિક્ષકોના સેવા હિતો, વરિષ્ઠતા, બઢતી અને અન્ય પ્રાપ્ત અધિકારોને અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર યોગ્ય કાયદાકીય, નીતિગત તથા વહીવટી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે.સંગઠનના જણાવ્યા મુજબ વર્ષ 2010 પહેલાં થયેલી શિક્ષકોની નિમણૂકો તે સમયના અમલમાં રહેલા નિયમો અને લાયકાતના ધોરણો અનુસાર કાયદેસર રીતે કરવામાં આવી હતી. તેથી આ વર્ગના શિક્ષકોના પ્રાપ્ત સેવા અધિકારોનું સંરક્ષણ થવું આવશ્યક છે અને આ મુદ્દે લોકશાહી તથા બંધારણીય માર્ગે જ રજૂઆતો કરવામાં આવશે.આ સંદર્ભે તા. 18 જૂન, 2026ના રોજ ગુજરાતના તમામ જિલ્લા મુખ્યાલયોએ મોટી સંખ્યામાં શિક્ષકો અને માતૃશક્તિ દ્વારા શાંતિપૂર્ણ તથા શિસ્તબદ્ધ ધરણા-પ્રદર્શન યોજાશે. જિલ્લા કલેક્ટર મારફતે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. સંગઠને જણાવ્યું કે તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે કાયદા અને લોકશાહી મર્યાદાઓમાં રહીને યોજવામાં આવશે. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અખિલ ભારતીય સ્તરે ઘડાનાર આગામી આંદોલનાત્મક કાર્યક્રમોમાં ગુજરાતના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાશે.પ્રેસ વાર્તામાં રાજ્યના શિક્ષણક્ષેત્રના વિવિધ પડતર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. મહાસંઘે જણાવ્યું કે અગાઉ યોજાયેલી બે પ્રદેશ કારોબારી બેઠકોમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ ત્યારબાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છતાં હજુ સુધી આ મુદ્દાઓના ઉકેલ માટે સંગઠન સાથે કોઈ સત્તાવાર ચર્ચા યોજાઈ નથી.મહાસંઘે રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓમાં સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ક્રમિક અને કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે. કાયમી ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી મંજૂર મહેકમ અનુસાર પૂરતી સંખ્યામાં જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકોની નિમણૂંક કરવાની તેમજ જરૂર જણાય ત્યાં જ્ઞાન સહાયક સંબંધિત ઠરાવમાં સુધારો કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.આ ઉપરાંત તા. 1 એપ્રિલ, 2005 પહેલાં નિયુક્ત જૂની પેન્શન યોજનાના પાત્ર નિવૃત્ત શિક્ષકો અને કર્મચારીઓને તાત્કાલિક પેન્શન શરૂ કરવા, તેમના બાકી રહેલા જીપીએફ એકાઉન્ટના ઓર્ડરો બહાર પાડવા તથા શિક્ષણ ક્ષેત્રના વિવિધ સંવર્ગોને લગતા મુખ્ય પડતર પ્રશ્નોનો સમયબદ્ધ અને હકારાત્મક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.મહાસંઘે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ શિક્ષકો તથા શિક્ષણ વ્યવસ્થાના હિતમાં સંગઠન સાથે રચનાત્મક ચર્ચા કરીને યોગ્ય ઉકેલ લાવશે. જો આ મુદ્દાઓ અંગે યોગ્ય પ્રગતિ નહીં થાય તો તા. 28 જૂન, 2026ના રોજ રાજકોટ ખાતે યોજાનારી પ્રાંત કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમો અને રણનીતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–ગુજરાત શિક્ષકોના હિતો, શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ વ્યવસ્થાની સ્થિરતા માટે હંમેશા સંવાદ, સહકાર અને લોકશાહી માર્ગમાં વિશ્વાસ રાખે છે, એવું ABRSM ગુજરાત- અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું.




