જો UCC લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થઈ જશે: ચૈતર વસાવા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 28/03/2025 – આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (યુસીસી) સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા યુસીસી આદિવાસી સમાજ પર લાગુ કરવામાં ન આવે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. આપણો દેશ અને રાજ્ય વિભિન્ન ધર્મ સંપ્રદાયો અને જાતિઓમાં વહેંચાયેલો છે અને તમામના પોતાના અલગ અલગ સામાજિક અને ધાર્મિક નિયમો છે. અમારું માનવું છે કે યુસીસી લાગુ થવાથી સૌથી વધારે અસર આદિવાસી અને અલ્પસંખ્યકો પર થશે. જો આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરવામાં આવશે તો બંધારણમાં અનુસૂચિ પાંચ, પેસા એક્ટ, આદિવાસીઓને મળતું શૈક્ષણિક અને રાજકીય આરક્ષણ ખતમ થઈ જશે માટે અમે આના સખત વિરોધમાં છીએ. અગાઉ મુસ્લિમોના 500 વર્ષના શાસન દરમિયાન અને અંગ્રેજોના 175 વર્ષના શાસન દરમિયાન પણ આદિવાસી સમુદાયના રીત રિવાજમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવામાં આવી ન હતી. પરંતુ હાલ ભાજપ સરકાર યુસીસી લાવીને આદિવાસીઓ વિરોધી પગલું ભરી રહી છે.
વર્તમાનમાં 705 જેટલી અનુસૂચિત જનજાતિના સમુદાયો આપણા દેશમાં છે અને કુલ 13 કરોડ જેટલી વસ્તી છે. આ તમામ લોકોના સામાજિક, ધાર્મિક, રીતરિવાજો, પ્રથાઓ, પરંપરાઓ, લગ્ન પ્રથા, વારસાઈ, છૂટાછેડા જેવી અનેક બાબતો માટે અલગ અલગ નિયમો છે. પરંતુ અમારું માનવું છે કે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજની અલગ અલગ રૂઢિપ્રથાઓ અને રીતરિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે. માટે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા માટે અમારી માંગણી છે કે સમાન નાગરિક સંહિતા (UCC)માંથી રાજ્યના આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે. અમુક આદિવાસી સમાજના લોકો જ હાલ યુસીસી લાગુ કરવાની વાત કરી રહ્યા છે. જે ખૂબ જ નિંદનીય છે. હાલ અમે કોઈ નેતાનું નામ નથી લેતા, પરંતુ એટલું સ્પષ્ટ કહી શકે આદિવાસીઓનું ભલું ઇચ્છનાર કોઈપણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી. માટે આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરવામાં આવી નહીં એવી અમારી માંગ છે.