GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જેતપુર રોડ પર ગેરકાયદે ખનન ઝડપાયું:મામલતદારની કાર્યવાહીથી કાલોલમાં ભૂમાફિયાઓમાં ફફડાટ..

તારીખ ૩૧/૦૬/૨૦૨૭

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં રેતી ખનન માફિયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સ્થાનિક આગેવાનોના આશીર્વાદથી ચાલતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આજરોજ કાલોલ મામલતદાર વિકાસ પટેલે મેદાપુર-જેતપુર રોડ પરથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને જતા એક ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકામાં રેતી માફિયાઓએ અગાઉ કાલોલની સ્મશાનભૂમિ પાસેથી મોટા પ્રમાણમાં રેતીનો સ્ટોક ખાલી કરી નાખ્યો હતો. ત્યાર બાદ રાવણ દહન સ્થળ અને શિશુ મંદિર શાળાની પાછળ અડ્ડો જમાવી વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર ખનન આચર્યું હતું. હાલમાં બોરૂ ગ્રામ પંચાયત વિસ્તાર સહિત મેદાપુર અને જેતપુર પટ્ટામાં બેફામ રીતે ખનન ચાલી રહ્યું હોવાની સ્થાનિક સ્તરે વ્યાપક ચર્ચાઓ છે. આ સમગ્ર ગેરકાયદેસર કારોબારમાં સ્થાનિક આગેવાનોની જ છૂપી સંડોવણી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.દરમિયાન, આજરોજ ગેરકાયદેસર વહન પર રોક લગાવવા માટે મામલતદાર વિકાસ પટેલે મેદાપુર-જેતપુર રોડ પર ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન રેતી ભરીને પસાર થતા એક ટ્રેક્ટરને રોકી તેના ચાલક પાસે પાસ-પરમિટ માંગતા કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. આથી મામલતદારે ત્વરિત કાર્યવાહી કરી ટ્રેક્ટરને મામલતદાર કચેરી ખાતે સીઝ કરાવી આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા આવા રેતી માફિયાઓ સામે માત્ર એકાદ-બે વાહનો ડિટેઈન કરવા પૂરતું સીમિત ન રહેતા, સમગ્ર નેટવર્ક પર સજ્જડ અને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!