DAHODGUJARATLIMKHEDA

લીમખેડામાં જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે બ્લોક, 90 પરિવારો મુશ્કેલીમાં

તા.૨૦.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડામાં જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે બ્લોક, 90 પરિવારો મુશ્કેલીમાં

ચિત્રકૂટ સોસાયટી અને ચિત્રકુટ વિલા વચ્ચેના સરકારી ગ્રાન્ટથી બનેલા મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોનો કબ્જો, સ્થાનિકો દ્વારા તંત્રમાં તાત્કાલિક કાર્યવાહીની ઉગ્ર માંગ કરવામાં આવી લીમખેડામાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જાહેર માર્ગો પર દાદાગીરીના બનાવો સામે આવ્યા છે. તાલુકાના ચિત્રકૂટ વિલા અને ચિત્રકૂટ સોસાયટી વચ્ચે આવેલા જાહેર રસ્તાને કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે પથ્થરો મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ ગ્રામ પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવ્યો હતો, જેથી આસપાસના રહીશોને અવરજવર માટે સરળતા રહે, પરંતુ હાલમાં આ રસ્તો અસામાજિક તત્વોના કારણે બંધ હોવાથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.મળતી માહિતી મુજબ, સંજય ગુર્જર નામના વ્યક્તિના ઘર પાસે આ રસ્તો અવરોધવામાં આવ્યો છે. એક જાહેર રસ્તાને વ્યક્તિગત સ્વાર્થ ખાતર બંધ કરી દેવાની આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તો બંધ થવાથી આશરે 80 થી 90 પરિવારોની દૈનિક અવરજવર ખોરવાઈ ગઈ છે. શાળાએ જતા બાળકો, નોકરી પર જતા લોકો અને વૃદ્ધોને લાંબા રસ્તે ફરીને જવાની ફરજ પડી રહી છે, જેને કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ રસ્તો વર્ષોથી જાહેર ઉપયોગ માટે છે અને તેનું નિર્માણ સરકારી નાણાં દ્વારા કરવામાં આવ્યું હોવા છતાં કોઈ વ્યક્તિ કેવી રીતે તેને બંધ કરી શકે તે સૌથી મોટો પ્રશ્ન છે. અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે આ તત્વોના મનોબળ ઊંચા થયા છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે આવી દાદાગીરીને કારણે સોસાયટી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે.હવે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત પાસે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. લોકોની માગણી છે કે ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા પથ્થરો હટાવીને રસ્તો તુરંત ખૂલ્લો કરવામાં આવે અને જાહેર માર્ગ પર દાદાગીરી કરનારા ઇસમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ મામલે સમયસર નિર્ણય લેવામાં નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. અત્યારે સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને રહીશો મુક્ત અવરજવર માટે વહીવટી તંત્રના આદેશની રાહ જોઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!