સમીર પટેલ, ભરૂચ
કોર્ટના કામે કર્મચારી જતાં આધાર કાર્ડ કેન્દ્ર પર તાળાં લટકતા જોવા મળ્યા
અંકલેશ્વરમા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ઇ-કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાવા પડે છે. વહેલી સવારથી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓ ધક્કા ખાતા જોવા મળ્યા હતા. તો અધિકારીની કેબિન બહાર તાળું લટકતું હતું. બપોરે 12 વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.
આ અંગે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ કોઈના કોઈ કારણસર તેઓનું કામ થતું નથી. ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપી બનાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર ના મામલતદાર કરણ સિંહ રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે, આ કામ જે એજન્સીને આપ્યું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યો ન હતો. બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે.