ભરૂચમાં બેરોજગાર ભાઈએ બહેનના ઘરમાં ચોરી કરી:ફ્રિજના બરફના ડબ્બામાં છુપાવેલા 1.45 લાખના દાગીના ચોરી કર્યા, LCB એ 88 હજારનો મુદ્દામાલ કર્યો રિકવર
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલી જલારામનગર સોસાયટીમાં એક ચોંકાવનારી ઘરફોડ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરી કરનાર વ્યક્તિ ઘરના માલિકનો જ સાળો છે, જે બેરોજગાર બની ગયો હતો.
ફરિયાદી નિલેશ ગુજ્જર માતાજીના દર્શને ગયા હતા ત્યારે તેમની પુત્રીએ સોનાના દાગીના ફ્રિજના બરફ જમાવવાના ડ્રોવરમાં પ્લાસ્ટિકની ડબ્બીમાં સંતાડ્યા હતા. પરંતુ ઘરે પરત ફર્યા બાદ તપાસ કરતા દાગીના ગાયબ હતા. કુલ 27.5 ગ્રામ વજનના અને રૂ. 1,45,000ની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી.
ભરૂચ LCB ટીમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ચોરીમાં ફરિયાદીના સાળા હેમંત પ્રજાપતિની સંડોવણી છે. તેને આમોદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી દરમિયાન અકસ્માત થવાથી નોકરી ગુમાવી હતી અને પત્ની સાથે મતભેદ થતાં છેલ્લા આઠ મહિનાથી આમોદમાં બેરોજગાર હતો.
આર્થિક સંકડામણમાં આવેલા હેમંતે ડિસેમ્બરના અંતમાં બહેનના ઘરે દાગીના ફ્રિજમાં મૂકવામાં આવતા હોવાની માહિતી મેળવી હતી અને તક મળતાં ચોરી કરી હતી. તેણે ચોરી કરેલી વીંટી આમોદના એક સોનીને વેચી હતી અને સોનાની ચેન પાદરાના એક જ્વેલર્સમાં વેચી હતી. પોલીસે તેની પાસેથી કાનની બુટ્ટીની જોડ અને રોકડા રૂ. 48,000 સહિત કુલ રૂ. 88,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.