ભરૂચની મલાઈદાર દુધધારા ડેરીમાં ભાજપનું જ આંતરિક રાજકારણ ફેરવી રહ્યું છે વિવાદોનું રાજકીય વલોણું
સમીર પટેલ, ભરૂચ
દુધધારા ડેરીની 65 મી વાર્ષિક સાધારણ સભામાં વહીવટ સામે અનેક આક્ષેપો, સભામાં ભારે ગરમાં ગરમી, ડેરીના 1000 કરોડના ટર્નઓવરને લઈ સંઘમાં સેંધ મારવા ભાજપના જ નેતાઓ અને જૂથો વચ્ચે સંગ્રામ, ડેરીના ચેરમેન અને વહીવટ સામે અનેક આક્ષેપો વચ્ચે સભા તોફાની બની
ભરૂચ દૂધધારા ડેરીની ગુરૂવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની રહી હતી.
ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી. દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી વર્ષે 1000 કરોડનું ટર્ન ઓવર સર કરવા આગળ વધી રહેલી સંસ્થામાં ભાજપના જ નેતાઓના મલાઈદાર રસને લઈ રાજકારણ ઉથલપાથલ મચાવી રહ્યું છે.
પેહલા સુનિલ પટેલને ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા ડિરેકટર તરીકે મુકાયા બાદ સરકારને ભૂલ માલુમ પડતા દૂર કરાયા હતા. બાદમાં ઝઘડિયાના પ્રકાશ દેસાઈને ડિરેકટર બનાવતા સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો. તો વાઇસ ચેરમેન મહેશ વસાવાએ હાલમાં જ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું હતું. લોકસભાની ચૂંટણી પેહલા જ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે તેમની નારાજગી વખતો વખત જાહેરમાં વ્યક્ત કરી હતી.
ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે 65મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ, એમ.ડી., ડિરેક્ટરો, અન્ય સહકારી આગેવાનો, સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે સભાના ચેરમેનને લઈને જ પહેલો હોબાળો મચ્યો હતો.
સભામાં નર્મદા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ વિરોધી ભાજપના જ એવા ગ્રુપે એક બાદ એક બાદ એક આરોપ લગાવી વિવાદો ઉભા કર્યા હતા. અને સભામાં ગરમાં ગરમી સાથે હંગામો પણ મચાવી દીધો હતો. પોલીસ બંદોબસ્ત પહેલાથી જ મેળવાયો હોય સભા તોફાની બનતા રહી ગઈ હતી.
સભામાં કેટલાક સભાસદોએ ગત વર્ષે ₹625 કરોડનાં ટર્નઓવર સામે સભાસદોને 16 કરોડ રૂપિયાનું ચુકવણું. જ્યારે આ વર્ષે ₹995 કરોડના ટર્નઓવોર સામે 21 કરોડની ફાળવણી સામે અસંતોષ સાથે ઉગ્ર બળાપો ઠાલવ્યો હતો.
સભાસદોને અંધારામાં રાખીને તમામ વહીવટની પ્રક્રિયા કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરાયા હતા. તો એક જ ગામમાંથી આવતા 40 હજાર લીટર દૂધ સામે બનાવટી દુધનો પણ આરોપ ઉઠાવતા સભામાં ભારે ગરમાં ગરમી જામી હતી.
ડેરી દ્વારા આ દૂધ ભરવાડ પરિવારો તેમના સમૂહમાં પશુધન લઈ એક જ ગામમાં ડેરો નાખતા હોય અને ત્યાંની સ્થાનિક મંડળી થકી ડેરીમાં આવતું હોવાનો ફોડ પડાયો હતો.
ભરૂચ દૂધ ધારા ડેરીની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે ત્યારે એક વર્ષ પેહલા જ સંસ્થામાં 1000 કરોડના ટર્ન ઓવરનું સુકાન સંભાળવા ભાજપના જ નેતાઓની રાજકીય રમત આગામી સમયમાં કેવા ખેલ પાડે છે તે તો આવનાર સમય જ બતાવશે.