GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પ્રાથમિક શિક્ષક વિરુદ્ધ અભદ્ર વર્તનની ફરિયાદમાં સાક્ષીઓના આધારે આક્ષેપો પુરવાર ન થયા, કોર્ટના ચુકાદા પર રહેશે અંતિમ નિર્ણય.

 

તારીખ ૩૦/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એક પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ સરકારી મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવેલી અભદ્ર વર્તનની ફરિયાદ અંગે જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ તપાસમાં સાક્ષીઓના નિવેદનોને આધારે કરાયેલા આક્ષેપોને સમર્થન મળ્યું નથી, જેના કારણે હાલ પૂરતી આ બાબતને દફતરે (પેન્ડિંગ) કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, કાલોલ તાલુકાની કંડાય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક વિનોદકુમાર જે. અમીન વિરુદ્ધ એક મહિલા કર્મચારી દ્વારા અભદ્ર વર્તન અને અશોભનીય વ્યવહાર કરવા અંગેની લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ ગંભીર મામલાની તપાસ જિલ્લા પ્રોજેક્ટ કચેરી દ્વારા કાલોલના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અને બી.આર.સી. કો-ઓર્ડિનેટરને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘટના સ્થળે હાજર અન્ય સી.આર.સી. કો-ઓર્ડિનેટરો અને શૈક્ષણિક સ્ટાફ સહિતના અનેક સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓના અહેવાલ મુજબ, ઘટનાના દિવસે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ ફરિયાદી દ્વારા શિક્ષક વિરુદ્ધ જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, તેને સાક્ષીઓના નિવેદનોથી સમર્થન મળ્યું નથી.અહેવાલમાં જણાવ્યા અનુસાર, આક્ષેપો ફલિતાર્થ (સાબિત) ન થતાં આ પ્રાથમિક તપાસ પ્રક્રિયા હાલ પૂરતી બંધ કરી દફતરે કરવામાં આવી છે. જો કે, આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાયેલી હોવાથી, કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પોલીસ ફરિયાદ અન્વયે અદાલત કે સત્તાધિકારી દ્વારા જે પણ આખરી ચુકાદો આપવામાં આવશે, તેને જ અંતિમ ગણવામાં આવશે અને તે ચુકાદાની સમીક્ષા કરવાની શરતે જ આ તપાસ દફતરે કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પંચમહાલ દ્વારા આ અહેવાલની નકલ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરાને પણ જાણ સારું રવાના કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!