AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિકાસલક્ષી અનેક નિર્ણયોને મંજૂરી, કળબ ડુંગરના પ્રવાસન વિકાસ પર પણ મંથન

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહત્વના નિર્ણયો: નવી જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ રાજેશભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને બેઠક; વિકાસલક્ષી અનેક મુદ્દાઓને સર્વાનુમતે બહાલી

ડાંગ જિલ્લા પંચાયતની નવી કચેરીના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. મયુર પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લાના વિકાસ અને વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમાં શીંગાણા અને લવચાલી ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજન માટે સર્વાનુમતે ઠરાવને મંજૂરી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) પોલીસ સ્ટેશન માટે પાંચ રૂમોની ફાળવણી, નવી જિલ્લા પંચાયત કચેરી માટે 18 સિક્યુરિટી ગાર્ડની મંજૂરી, તેમજ આહવા તાલુકા પંચાયત કચેરી માટે જગ્યા ફાળવણી જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.

આ ઉપરાંત બ્લડ બેંક અને ટી.એસ.પી. કચેરી માટે જૂની જિલ્લા પંચાયત કચેરીમાં જગ્યા ફાળવવા અંગે પણ ચર્ચા કરી સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

બેઠકમાં ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ કળબ ડુંગરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની યોજના અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ જિલ્લા પંચાયતને વધુ મહેસૂલી સત્તાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી અંગેના ઠરાવમાં જરૂરી સુધારા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.

બેઠકની કાર્યવાહી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો તથા વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક ચર્ચા કરી હતી.

Back to top button
error: Content is protected !!