AHAVADANGGUJARAT

સુબીર તાલુકાનાં પીપલદહાડ ગામનાં હાટ બજારની જગ્યામાં સ્વચ્છતા અભિયાનનાં લીરે લીરા ઉડયા…

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનાં પીપલદહાડ ગામનું હાટ બજાર ગંદકીના બોજ તળે દબાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં પીપલદહાડ હાટ બજારનાં  સ્થળે સ્વચ્છતાના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ત્યારે ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા હાટ બજારમાંથી જે વેરાનાં સ્વરૂપે નાણાની ઉઘરાણી કરવામાં આવે છે તેનો ઉપયોગ ક્યા કરવામાં આવે છે તેવા સવાલ સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં પીપલદહાડ ગામનું હાટ બજાર ખાતે સ્વચ્છતાના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. ગ્રુપ ગ્રામ પંચાયત  પીપલદહાડ દ્વારા હાટ બજારમાં વેરાનાં સ્વરૂપે પૈસાની ઉઘરાણી તો કરવામાં આવી રહી છે જોકે ઉઘરાણી બાદ પણ ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે.અહી જે તે સમયે વહીવટી તંત્ર દ્વારા લાખોનાં ખર્ચે હાટ બજાર માટે દુકાનો બનાવવામાં આવેલ છે.પરંતુ આ દુકાનોમાં લાઇટની સુવિધાનો અભાવ જોવા મળે છે. ત્યારે રાત્રિના સમયે અંધારામાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તેમજ સફાઈ કર્મચારીઓને તો જાણે હાટ બજારની સફાઈ માટે  સમય જ ન હોય તેમ સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઇ કામગીરી જ કરવામાં આવતી નથી. તેમજ અહીં ગંદકી હોવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના પણ વધવા પામી છે. તેમજ પ્રાથમિક સુવિધા જેમ કે લાઈટનો જ અભાવ હોવાથી વિકાસના કામોને લઈને લોકોમાં અનેક ચર્ચા જોવા મળી રહી છે.અને હાલમાં ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળે છે ત્યારે વરસાદના કારણે હાટ બજારનાં સ્થળે ગંદકીમાં વધારો થવા પામે છે.અને ઘણી વખત તો એટલી દુર્ગંધ આવતી હોય છે કે ત્યાંથી પસાર થવું પણ લોકો માટે મુશ્કેલ બની જાય છે.ગ્રામજનોએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.ત્યારે ગ્રુપ ગ્રામ પંચાયત પીપલદહાડ દ્વારા ઉઘરાવવામાં આવતા પૈસાનો ઉપયોગ હાટ બજારની સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ માટે થવો જોઈએ જોકે અહીં આ નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.તેમજ પ્રશ્ન એ થાય છે કે,ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવામાં આવતા પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે? શું સફાઈ કર્મચારીઓને સફાઈ માટે પૂરતો સમય  નથી મળતો ? અહીં  લાઇટની સુવિધા કેમ આપવામાં આવેલ નથી ? આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે ? વહીવટી તંત્ર પ્રજાના હિતમાં કેમ કાર્યવાહી નહીં કરે ? આવા અનેક સવાલ સાથે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.ત્યારે આ સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે..

Back to top button
error: Content is protected !!