ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ માટે સારું ધ્યાન અપાય છે. શાળાઓની ભૌતિક સુવિધાઓમાં ક્રમશ: નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે.
5 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
કાર્ય-કૌશલ્યનું શિક્ષણ ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ માટે સારું ધ્યાન અપાય છે. શાળાઓની ભૌતિક સુવિધાઓમાં ક્રમશ: નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે. અપવ્યય અને સ્થગિતતામાં જબરદસ્ત ઘટાડો થયો છે. ગુણવત્તા બાબતે છેલ્લા બે દશકાથી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલી છે. હવે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે, છતાં આજે શિક્ષણની ગુણવત્તા બાબતે અમુક અંશે ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ છે. આપણા અભ્યાસક્રમોમાં ઘણું બધું એવું છે કે તે મોટાભાગના વિદ્યાર્થીઓને તેમના પૂરા જીવનમાં ક્યાંય ઉપયોગી થતું નથી. વળી અભ્યાસક્રમમાં ઉપયોગી છે તેવી કેટલીક બાબતો પાઠ્યપુસ્તકમાં સમાવી શકાતી નથી. સામાન્ય રીતે શાળાઓમાં માત્ર પાઠ્યપુસ્તકો જ ભણાવાય છે. મતલબ મૂળ અભ્યાસક્રમમાંંનું કેટલુંક ઉપયોગી છૂટી જાય છે. કેટલુંક કેટલાકને જ ઉપયોગી છે તે બીજાઓને ભારરૂપ બને છે. વર્ષના અંતે લેવાતી પરીક્ષામાં આખા પુસ્તકમાંથી ઘણું ઓછું પૂછી શકાય છે. જે પૂછાય છે તે પ્રશ્નોમાં પણ વિકલ્પો આપવામાં આવે છે. અન્ય ઘણી સરળતા અને સુગમતા કરી આપ્યા પછી 35% ગુણ આવે એટલે પાસ થઈ જવાય છે. એટલે કે ખરેખર મૂળ અભ્યાસક્રમના માંડ 15 થી 20 ટકા જેટલું આવડતું હોય તે પણ ઉપરના ધોરણમાં બઢતી મેળવે છે. કેટલાક વિદ્યાર્થીઓ તો આ સિદ્ધિથી પણ નીચે રહી જાય છે. છતાં વર્ગબઢતી મેળવી લે છે. આટલા બધા કાચા શિક્ષણ સાથે ઉપર ચડતો વિદ્યાર્થી જીવનનાં ઘણાં અમૂલ્ય વર્ષો બગાડ્યા પછી નાપાસના લેબલ સાથે કે નબળા દેખાવ સાથે શિક્ષણના મુખ્ય પ્રવાહમાંથી બહાર નીકળી જાય છે. જે પોતાને, પરિવારને અને સમાજને ભારરૂપ બને છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નથી. સાચો સર્વે કરી એ આંકડો જાણવો જોઈએ. કચાશનું કારણ ગમે તે હોય પણ જેનો પાયાનો અભ્યાસ કાચો રહી ગયો હોય તેમને તથા જેમને વહેલામાં વહેલી તકે આજીવિકાની જરૂરિયાત છે તે સૌને જલદી જલદી વ્યવસાય માટે સજ્જ કરવાનો સમય પાકી ગયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ સ્કીલ બેઈઝ એજ્યુકેશન ઉપર ભાર મૂક્યો છે. ‘બેગલેસ ડે’ના સમાવેશનો એક હેતુ આ પણ છે. એટલે કે કાર્યકુશળ નાગરિક નિર્માણ માટે સરકારે ખૂબ ગંભીરતાથી વિચારવુંં જોઈએ. આ સેવા કાર્યમાં NGO, સહકારી સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ ખૂબ ઉપયોગી બની શકે.
આ સંસ્થાઓએ દેશ સેવામાં સહભાગી થવા માટે સમાજ-જીવનનો સર્વે કરવો. વિસ્તાર પ્રમાણે જે જે કામધંધામાં રોજીની તક હોય તે નક્કી કરવા. આ ઉપરાંત નજીકના જુદા જુદા ઔદ્યોગિક એકમોને જેવી જેવી કુશળતાવાળા કર્મચારીઓની જરૂર હોય તેની માહિતી એકત્ર કરવી, તે પછી જે તે કામ પ્રમાણે વ્યક્તિને તૈયાર કરવાના અભ્યાસક્રમો નક્કી કરવા અને તેવા ટૂંકા ગાળાના ડિપ્લોમા કોર્સ શરૂ કરવા. જે પ્રકારની કાર્ય કુશળતા ધરાવતા કારીગરોની માંગ હોય તે મુજબના એટલા જ વ્યક્તિઓને પૂરતાં સાધનો, એક્સપર્ટ તજજ્ઞો દ્વારા સાચી અને સઘન તાલીમ આપી પારંગતિની કક્ષાએ તૈયાર કરવા. જુદા જુદા વ્યવસાય માટે આવાં કેન્દ્રો યોગ્ય સ્થળે ઊભાં કરવાં. કોર્ષ પૂરો કરનારને તરત જ વ્યવસાય મળી જાય તે ખાસ ધ્યાને રાખવામાં આવે તો સમાજને કુશળ કારીગરો મળે, લોકોને રોજીરોટી મળે અને બેકારી અને ગરીબી સાચા અર્થમાં નાબૂદ થાય. જે વિદ્યાર્થીઓ ભણવામાં કચાશ ધરાવે છે એવું માનવામાં આવે છે તેમની પાસે જે મૂળભૂત કાબેલિયત છે, તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ થતો નથી. વિદ્યાર્થીઓને જીવનના પ્રારંભિક વર્ષોમાં તેમના રસરુચિના ક્ષેત્રમાં વિકસવાની તક મળે તે જરૂરી છે. આજે સમાજનો મોટા ભાગનો યુવા વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે. સૌને સરકારી નોકરી લેવી છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ તે માટે વ્યવસ્થાઓ ઊભી કરી મદદ કરવા ઉત્સુક છે. પણ આપણે વિચારવું જોઈએ કે સરકારી નોકરી કેટલાને મળી શકે ? કેટલી જગ્યાઓ હોય ? આ યુવા વર્ગમાંથી મોટી સંખ્યા સમય અને નાણાં વાપર્યા પછી નોકરી નહીં, ઘોર નિરાશા પામે છે, તેમને કોઈ દિશા મળતી નથી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારની સંખ્યા અને તેમાંથી સરકારી નોકરી મેળવનારની સંખ્યાના આંકડા દર વર્ષે જાહેર કરવા જોઈએ. જે તેજસ્વી છે, તે એક નહીં તો બીજા ક્ષેત્રમાં પોતાનો માર્ગ મેળવી લે છે. પણ કરવા જેવું કામ તો બાળકોને બાળપણથી શ્રમ અને શ્રમિકો પ્રત્યે આદર જન્માવી, કાર્યકુશળ બનાવી જલદી જલદી ઉત્પાદકોની શ્રેણીમાં ગોઠવવાનું છે.
ગજેન્દ્રકુમાર જોશી પાલનપુર. (94281 96996