દાંતીવાડા સરદાર કૃષિનગરમાં એગ્રીવિઝન-2025નો શુભારંભ કૃષિ વિકાસ માટે રાજ્ય કક્ષાનું અધિવેશન
26 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
કૃષિ માત્ર ભોજન પૂરું પાડતી નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર:- કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણ 500થી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન વિષયક પત્રો રજુ કર્યાં આત્મનિર્ભર ભારત થકી સર્વાંગી કૃષિ વિકાસ વિષય પર આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાનું ત્રીજું એગ્રીવિઝન અધિવેશન યોજાયું હતું. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને એગ્રીવિઝન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ અધિવેશન યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન યૂનિવર્સિટીના કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણ દ્વારા કરાયું હતું. આ અધિવેશનમાં કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણે ઉપસ્થિતોને આત્મનિર્ભરતા અંતર્ગત કૃષિ ક્ષેત્રના સશક્તિકરણની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો અને જણાવ્યું કે, કૃષિ માત્ર ભોજન પૂરું પાડતી નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે. યુનિવર્સિટી દ્વારા અપનાવેલા ૭૫ દત્તક ગામોમાં કૃષિ વિકાસ, જળસંચય, બીજ ઉત્પાદન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામ વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે.આ અધિવેશનમાં સ્વાગત પ્રવચન સંશોધન નિયામક ડૉ.સી.એમ.મુરલીધરન દ્વારા કરાયું હતું. જ્યારે પ્રાંત સંયોજક કેશવ કશ્યપે અધિવેશનની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં કૃષિ સંબંધિત વિવિધ વિષયો પર વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા છ અલગ-અલગ ગ્રુપમાં વિચારો અને નવીનતાનું આદાન-પ્રદાન કરાશે. આ સાથે જ કૃષિ વિદ્યાર્થીઓ માટે સંસદ તથા આધુનિક કૃષિ પ્રદર્શનનું પણ આયોજન પણ કરાયું છે.
આ પ્રસંગે ડૉ.લક્ષ્મણભાઈ ભુતડિયાએ જણાવ્યું હતું કે, ગામડાઓ અને કૃષિ ભારતની મુળ શક્તિ છે અને આ આધારને ફરીથી મજબૂત કરવા માટે સાંસ્કૃતિક અને આર્થિક દૃષ્ટિકોણથી ગામડાની કૃષિ વ્યવસ્થાને પુનઃજીવંત બનાવવી અગત્યની છે. તેમણે અંગ્રેજ શાસન પછી ગામડાની ગતિ રોકાઈ હોવાનું જણાવ્યું અને આત્મનિર્ભર ભારત માટે ગ્રામ્ય કૃષિના પુન: જાગરણ પર ભાર મૂક્યો હતો.
આ તકે રાષ્ટ્રીય પ્રભારી ડૉ.વિક્રમસિંહ ફરસ્વાએ કૃષિમાં ઉદ્યોગ સાહસિકતાનો વિસ્તાર, પ્રાકૃતિક ખેતી, ગૌ-પાલન અને CSR ફંડના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને ભારતને વિકસિત અને સ્વસ્થ બનાવવાનું આહ્વાન કરાયું હતું. આભાર વિધિ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.પી.ટી.પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ અધિવેશનમાં રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર ઉપરાંત કામધેનું યુનિવર્સિટી અને નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાંથી કુલ 800થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે 500થી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન વિષયક પત્રો રજુ કર્યાં હતા.