અમદાવાદમાં ભારત RE સમિટ એન્ડ એક્સ્પો-2026ના રોડ શૉથી હરિત ઊર્જા રોકાણને મળ્યો નવો વેગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ભારતને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે વૈશ્વિક આગેવાની તરફ વધુ મજબૂત રીતે આગળ ધપાવવાના હેતુથી આગામી 2થી 5 નવેમ્બર, 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનાર ભારત RE સમિટ એન્ડ એક્સ્પો-2026ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે અમદાવાદમાં ભવ્ય રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગકારો, રોકાણકારો તથા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ ભાગ લઈને હરિત ઊર્જા ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને ભવિષ્યની તકો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપાદ યેસો નાઇકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન મેળવવા ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતે વર્ષો પહેલાં સૌર અને પવન ઊર્જાના વિકાસમાં કરેલી આગવી પહેલ આજે રાજ્યને આશરે 50 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવતા દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવ્યું છે.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં 30 લાખથી વધુ રૂફટોપ સોલાર સ્થાપનો કરવામાં આવ્યા છે, જ્યારે કચ્છમાં વિશ્વસ્તરીય વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસથી ગુજરાત હરિત ઊર્જાના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. સ્વચ્છ ઊર્જાના ઉત્પાદન સાથે રોજગારી, ઔદ્યોગિક વિકાસ અને ટકાઉ અર્થવ્યવસ્થાને પણ આ ક્ષેત્ર મહત્વપૂર્ણ પ્રોત્સાહન આપી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભારત RE સમિટ એન્ડ એક્સ્પો-2026 અંગે તેમણે જણાવ્યું કે “Invest, Innovate and Inspire” થીમ સાથે યોજાનારી આ સમિટમાં નીતિ નિર્માતાઓ, વૈશ્વિક રોકાણકારો, ટેક્નોલોજી નિષ્ણાતો, ઉદ્યોગકારો અને નાણાકીય સંસ્થાઓ એક જ મંચ પર આવશે. સમિટ દરમિયાન રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને નવી ભાગીદારીઓ માટે વ્યાપક તકો ઉભી થશે. સમિટની સાથે International Solar Alliance (ISA)ની 9મી એસેમ્બલી તેમજ ચોથી International Conference on Green Hydrogen (ICGH-2026)નું પણ આયોજન કરવામાં આવશે, જે સૌર ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે વૈશ્વિક સહયોગને નવી દિશા આપશે.
ગુજરાતના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભારત વર્ષ 2070 સુધી નેટ-ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે અને તેમાં નવીનીકરણીય ઊર્જા સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતે વર્ષ 2007થી સૌર ઊર્જાના ક્ષેત્રે સતત આગેવાની જાળવી રાખી છે અને આજે રાજ્યમાં રૂફટોપ સોલાર, કૃષિ ક્ષેત્રે સૌર ઊર્જાનો વ્યાપક ઉપયોગ તેમજ ઉદ્યોગોમાં સ્વચ્છ ઊર્જાના અપનાવાને પ્રોત્સાહન આપતી મજબૂત ઇકોસિસ્ટમ વિકસિત થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને ગુજરાતમાં જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર માત્ર ઊર્જા ઉત્પાદન પૂરતી મર્યાદિત નથી, પરંતુ રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર માટે જરૂરી સાધનો, ટેક્નોલોજી અને ઉત્પાદન એકમોના વિકાસને પણ નવી નીતિઓ અને પ્રોત્સાહનો દ્વારા વેગ આપી રહી છે. ગ્રીન હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ અને ઓફશોર વિન્ડ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાત રોકાણકારો માટે નવી તકો ઊભી કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું.
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ડાયરેક્ટર અભય બાકરેએ જણાવ્યું કે ગ્રીન હાઇડ્રોજન ભારત માટે ભવિષ્યની ઊર્જા અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર બનશે. તેમણે જણાવ્યું કે ICGH-2026માં 75થી વધુ દેશો, 20થી વધુ રાજ્ય સરકારો, 250થી વધુ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ અને 500થી વધુ નિષ્ણાતોની ભાગીદારી સાથે 80થી વધુ ટેક્નિકલ અને નીતિગત સત્રો યોજાશે. આ પરિષદ દરમિયાન ઉત્પાદન ટેક્નોલોજી, વૈશ્વિક રોકાણ, નીતિ સહયોગ અને જ્ઞાનના આદાન-પ્રદાન અંગે વ્યાપક ચર્ચાઓ થશે.
રોડ શૉ દરમિયાન ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ, સૌર અને પવન ઊર્જાની વધતી ક્ષમતા, ગ્રીન હાઇડ્રોજન મિશન, સ્વચ્છ ઊર્જા આધારિત ઔદ્યોગિક વિકાસ અને ભવિષ્યની રોકાણ સંભાવનાઓ અંગે વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યમાં વધુ દેશી અને વિદેશી રોકાણ આકર્ષવા માટે સરકારની નીતિઓ તથા ઉદ્યોગોને ઉપલબ્ધ પ્રોત્સાહનો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
ઉપસ્થિત ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ ગુજરાતને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ માટે સૌથી અનુકૂળ રાજ્યોમાંનું એક ગણાવ્યું હતું. તેમણે રાજ્યની નીતિ સ્થિરતા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો અને ઔદ્યોગિક સુવિધાઓને હરિત ઊર્જા ક્ષેત્રના ઝડપી વિકાસ માટે મહત્વપૂર્ણ પરિબળ ગણાવ્યાં.
કાર્યક્રમમાં ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત International Solar Allianceના ડાયરેક્ટર જનરલ આશિષ ખન્ના, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, National Solar Energy Federation of India (NSEFI)ના CEO સુબ્રમણ્યમ, National Governing Councilના સભ્ય ધનંજયકુમાર સહિત ઊર્જા ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રોડ શૉ દ્વારા ભારત RE સમિટ એન્ડ એક્સ્પો-2026ને લઈને ઉદ્યોગજગતમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. નિષ્ણાતોના મત અનુસાર આ સમિટ ભારતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણ, અદ્યતન ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ વેગ આપવાની સાથે ભારતને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.




