વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૫ જુલાઈ: તાજેતરમાં કચ્છ જિલ્લામાં ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા અને નિમણૂક પત્રોના વિતરણને લઈને શિક્ષણ જગતમાં અને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચર્ચાનો વિષય બન્યો છે. ૨૯૩ શિક્ષકોમાંથી માત્ર ૨૪૨ ઉમેદવારો જ હાજર રહ્યા હતા, જ્યારે ૫૧ ઉમેદવારોએ કચ્છમાં નોકરી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ નિમણૂક ઓર્ડર વિતરણ સમારંભમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ૨૪૨ હાજર ઉમેદવારોમાંથી કચ્છના કેટલા ઉમેદવારો છે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવતા માત્ર ૮ થી ૧૦ લોકોએ જ હાથ ઊંચો કર્યો હતો. આ અંગે સાંસદ અને ધારાસભ્યે ટકોર કરી હતી કે જ્યારે રાજ્ય સરકારે કચ્છમાં કચ્છી શિક્ષકોની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે, ત્યારે માત્ર ૧૦% જેટલા જ કચ્છી શિક્ષકોને નિમણૂક ઓર્ડર મળ્યા છે.જોકે, માધ્યમિક શિક્ષણ અધિકારીએ આ બાબતે જાહેરમાં જણાવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયામાં ૫૦% જેટલા ઉમેદવારો કચ્છના જ છે. પરંતુ કચ્છના બેરોજગાર શિક્ષક યુનિયન દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવતા માત્ર ૧૦ થી ૨૦% જ કચ્છી ઉમેદવારો હોવાનું તારણ નીકળ્યું છે. કચ્છના શિક્ષકોએ પોતાના તાલુકામાં કચ્છી શિક્ષકોની નિમણૂકની સંખ્યા અંગે ટિપ્પણી કરતા તેમને શિક્ષણ અધિકારી કચેરી તરફથી નોકરીમાંથી છુટા કરવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાને “લાજવાને બદલે ગાજવા” જેવી ગણાવીને ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રીને માધ્યમિક શિક્ષણ અધિકારી પાસેથી સાચી માહિતી માંગવા અપીલ કરવામાં આવી છે. જો આ માહિતી જાહેર નહીં કરાય તો RTI દ્વારા કચ્છમાં થયેલ ઉચ્ચ માધ્યમિક શાળામાં ભરતી થયેલા શિક્ષકોમાંથી કેટલા શિક્ષકો મૂળ કચ્છના છે તેની માહિતી માંગવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહાભારતમાં દિવ્ય દ્રષ્ટિ ધરાવતા સંજય દ્વારા ધૃતરાષ્ટ્ર રાજાને આંખે દેખ્યો અહેવાલ આપવામાં આવતો હતો એવું તો નથી બની રહ્યું ને? એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.આજના વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ, કચ્છના રણ પ્રદેશમાં આવેલા જામ કૂનરિયા ગામમાં ધોરણ ૧૦ પાસ કરેલી ૩૦ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ ૧૧ માં અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે. નજીકમાં નજીક ઉચ્ચ માધ્યમિક શાળા ૨૦ કિલોમીટર દૂર છે અને તાલુકા કેન્દ્ર ૯૦ કિલોમીટર દૂર છે. અમુક સામાજિક રૂઢિઓને કારણે ગામલોકો પોતાની દીકરીઓને બહાર ભણાવવા મોકલતા નથી, જેના કારણે ગામની ૩૦ જેટલી દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગઈ છે.ગામલોકોની વારંવારની રજૂઆતો છતાં તેમની માંગણીઓ રાજ્ય કક્ષા સુધી પહોંચતી ન હોવાનું તેમને લાગી રહ્યું છે. કન્યા કેળવણી માટે સંવેદનશીલ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ બાબતે ધ્યાન આપીને તાત્કાલિક ધોરણ ૧૧ ની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કન્યા કેળવણીના હિમાયતી હતા, અને હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ મૃદુ અને સંવેદનશીલ હોઈ તાત્કાલિક નિર્ણય લેવામાં માને છે. અને તાજેતરમાં તેઓએ રણ વિસ્તારમાં રાત્રી રોકાણ પણ કર્યું હતું અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમ છતાં જામ કૂનરિયા ગામના લોકોની માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચવા દેવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે દરેક હાઈસ્કૂલના ધોરણ ૧૦ ના પરિણામો માધ્યમિક શિક્ષણ અધિકારી પાસે આવતા હોય છે. ત્યારે કૂનરિયા ગામમાં ધોરણ ૧૦ પાસ કર્યા બાદ બાળકો કયા કારણોસર ધોરણ ૧૧ માં અભ્યાસ કરવાનું છોડી દે છે, તે શિક્ષણ અધિકારીની જાણ બહાર હોય તેવું શક્ય નથી. જ્યારે રાજ્ય સરકાર “એક બાળક પણ શાળા છોડે તો તેના માટે ચિંતા કરતી હોય છે” એટલે કે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાની સૂચનાઓ આપવામાં આવે છે, ત્યારે આખેઆખું ગામ ડ્રોપઆઉટ થાય અને તેની જાણ જિલ્લાના અધિકારીઓને ન હોય તેવું બની શકે નહીં. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબ પણ અંગત રસ લે તેવી ગામલોકોની અપેક્ષા છે.૫૧ ઉમેદવારો કચ્છમાં આવવા તૈયાર ન હોવાથી તે જગ્યાઓ જ્ઞાન સહાયકથી ભરવામાં આવશે તેવું શિક્ષણ અધિકારી જણાવી રહ્યા છે. જોકે, તેની જગ્યાએ ફરીથી એક વખત જાહેરાત આપીને કચ્છમાં ટાટ પરીક્ષા પાસ કરેલ સ્થાનિક ઉમેદવારોની અરજી લઈને શિક્ષણ સહાયક તરીકે ભરતી કરવામાં આવે તો તેઓ કચ્છમાં જ નોકરી કરશે અને બહારના શિક્ષકોને કચ્છમાં રહેવાની વિનંતી કરવાની જરૂર પડશે નહીં તેવી માંગણી કરવામાં આવી છે. અગાઉના વર્ષોમાં ટાટ પરીક્ષા પાસ કરનારા કચ્છના ઉમેદવારોને અરજી કરવા દેવામાં આવ્યા નથી, જે પણ કેટલા અંશે વ્યાજબી છે? તેવો પ્રશ્ન બેરોજગાર ઉમેદવારો ઉઠાવી રહ્યા છે.કચ્છના લોકોની દબાતા સ્વરે માંગણી છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભરતી બાકી હોવાથી કચ્છી ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે તટસ્થ અધિકારીની નિમણૂક કરવામાં આવે. કચ્છના શિક્ષણ જગતમાં માધ્યમિક શિક્ષણ અધિકારીના વર્તન અને નિવેદનો ચૂંટાયેલા પ્રતિનિધિઓની સામે કેટલા સત્ય અને વ્યાજબી છે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ સમગ્ર મામલે ગુજરાત સરકાર અને સંબંધિત અધિકારીઓ તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી કચ્છના લોકો અપેક્ષા રાખી રહ્યા છે.