THARADVAV-THARAD

વાવ પોલીસનો પ્રશંસનીય પ્રયાસ: ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન હેઠળ ખોવાયેલ મોટરસાયકલ માલિકને પરત અપાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાલક્ષી કામગીરીને વધુ મજબૂત બનાવતા ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન અંતર્ગત ખોવાયેલી મોટરસાયકલ તેના અસલી માલિકને પરત સોંપવામાં આવી હતી.
પાલનપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના નેતૃત્વમાં અને વિભાગીય પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરિયા તથા વાવ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વાવ પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બુકણા ગામના પાટીયા નજીક એક મોટરસાયકલ નંબર પ્લેટ વગર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસ દ્વારા ટેકનિકલ તપાસ, ઇ-ગુજકોપ પોર્ટલ અને અન્ય સૂત્રોના આધારે તપાસ કરતાં આર.ટી.ઓ. નોંધણી નંબર GJ-08-AK-8285 ધરાવતી મોટરસાયકલની ઓળખ થઈ હતી.
પોલીસે તપાસ પૂર્ણ કરી મોટરસાયકલના માલિક ગીરીશભાઈ શંકરલાલ જોષી, રહે. ચારડા (તા. થરાદ)નો સંપર્ક કરી અંદાજે ₹45,000 કિંમતની મોટરસાયકલ પરત સોંપી હતી.
આ કામગીરીમાં પીએસઆઈ એસ.એમ. વસાવા, હેડ કોન્સ્ટેબલ માનસંગભાઈ ધર્માભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ રાણાજી, અશોકભાઈ નારણાજી તથા નરેન્દ્રસિંહ કરશનજી સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વાવ પોલીસની આ પ્રજાહિતની કામગીરીથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને “તેરા તુઝકો અર્પણ” અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!