Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના કનેસરા – ૨ ડેમમાં રૂ. ૫.૯૨ કરોડના ખર્ચે થનારા પાઇપ કેનાલના બાંધકામનું ખાતમુહૂર્ત
તા.૨૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે સૌરાષ્ટ્રભરના સુકા વિસ્તારો લીલાછમ્મ બન્યા છે : મંત્રીશ્રી
Rajkot, Jasdan: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકામાં કનેસરા ગામ નજીક કનેસરા – ૨ ડેમમાં રૂ. ૫,૯૨,૫૬,૮૦૦ના ખર્ચે થનારા પાઇપ કેનાલના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. કનેસરા ગામ પાસે ભાદર નદીની પ્રશાખા પર કનેસરા – ૨ નાની સિંચાઈ યોજના બનાવવામાં આવી છે. જેમાં અન્ડર ગ્રાઉન્ડ પાઇપ નહેરમાં કુલ ૩૯ વેલ કૂવા બનાવવામાં આવશે, જેમાંથી ખેડૂતો સિંચાઈ હેતુસર પાણી લઈ શકશે.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અહીં વર્ષો પહેલા ગામલોકોની તળાવ બનાવવાની માંગણી હતી, ખેડૂતોને સિંચાઈનું પાણી સહેલાઈથી મળી રહે, તે માટે વર્ષ ૨૦૨૨માં ડેમ બનાવવામાં આવ્યો, હવે ટૂંક સમયમાં કેનાલ પણ બની જશે. જેની વિશેષતા એ છે કે ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના નહેર બનાવવામાં આવશે અને પાકને થયેલા નુકસાનનું વળતર પણ આપવામાં આવશે. આ ભૂમિગત પાઇપલાઇનથી કનેસરા અને કુંદણી ગામની ૧૬૮.૬૪ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. ગુજરાત સરકારની જલ જીવન મિશન, સૌની યોજના સહિતની યોજનાઓના પરિણામે જસદણ – વિંછીયા પંથકમાં ક્યાંય પીવાના પાણી અને સિંચાઈના પાણીની મુશ્કેલી રહી નથી. રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે સૌરાષ્ટ્રભરના સુકા વિસ્તારો લીલાછમ બન્યા છે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીનું ફૂલહાર અને પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. અધિક્ષક ઇજનેરશ્રી પ્રેક્ષાબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચન અને કાર્યપાલક ઇજનેરશ્રી બી. પી. ભીમજીયાણીએ આભારવિધિ કરી હતી. આ તકે સિંચાઈ વિભાગના કર્મચારીઓ, અગ્રણીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.