Jasdan: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે સંજીવની સમાન: જસદણના સાણથલી ગામના સાહિલના હૃદયની ખામી દૂર કરતી આરોગ્ય ટીમ
તા.૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – જીતેન્દ્ર નિમાવત
Rajkot, Jasdan: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે સંજીવની સમાન બની રહી છે. આ યોજના અંતર્ગત હૃદય, તૂટેલા તાળવા સહિતની જટિલ અને ખર્ચાળ સર્જરીનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. તેનું ઉદાહરણ જસદણ તાલુકાના સાણથલી ગામના સાહિલ વાઘેલા છે, સાહિલની જન્મજાત હૃદયની ખામી આ કાર્યક્રમ થકી દૂર કરાઈ છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) ટીમની મદદથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સમયસર સઘન સારવાર આપી બાળકનાં હૃદયની ખામી દૂર કરવામાં આવી છે.
નોકરી કરતા મધ્યમ વર્ગનાં મહેશભાઇ વાઘેલાને ત્યાં તા.૨૦ માર્ચ ૨૦૨૩ ના રોજ સાહિલનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર ઊઠી હતી.
ત્યાર બાદ તા.૨૮ માર્ચ ૨૦૨૩ રોજ જસદણની આર.બી.એસ.કે. ટીમના ડો.કિરણ કુંવારિયા અને ડો. સમર્થ રામાનુજે સાણથલી ખાતે મહેશભાઇ વાઘેલાના ઘરની વિઝીટ કરી સાહિલના સ્વાસ્થ્યનું સ્ક્રિનિંગ કરતાં તેને હૃદયની કોઈ ખામી હોવાનું જણાયું હતું.
ત્યાર બાદ સાહિલનાં હૃદયની વધુ ચકાસણી માટે DEIC સિવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે તપાસ કરવા માર્ગદર્શન અપાયું હતું. જ્યાં તેમને હૃદયની ખામી હોવાનું જણાતા વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદ ખાતે જવા સલાહ આપવામાં આવી હતી.
મધ્યમ વર્ગીય પરિવારમાં આરોગ્યની આફત આવતાં સાહિલના માતા-પિતા પરેશાન થઈ ગયા હતા. ત્યારે આફતમાં ડૂબેલા પરિવારની વહારે સરકાર આવી હતી. અને આર.બી.એસ.કે. ટીમ અને સીવીલ હોસ્પિટલના ડોકટરોની ટીમે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, તેમ જણાવી સાંત્વના આપી હતી. જેથી સાહિલના માતા-પિતાની આર્થિક મુશ્કેલી દૂર થતાં તેઓ સાહિલની સારવાર લેવા સંમત થયા હતા. ત્યાર બાદ સાહિલને યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ સંદર્ભ કાર્ડ ભરી રીફર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની ટીમે નિદાન અને સર્જરી કરી સાહિલનાં હૃદયની ખામી દૂર કરી હતી.
ગત તા.૨૯.૦૪.૨૫ ના સાહિલની છેલ્લી ફોલોઅપ તપાસ દરમિયાન સાહિલ સપુર્ણ સ્વસ્થ જોવા મળતાં આર.બી.એસ.કે.ની ટીમે કરેલી સારવારનો આનંદ થયો હતો. હાલ સાહિલ એકદમ સ્વસ્થ છે.
આ તકે મહેશભાઇ વઘેલા અને તેમના પરીવારે આર.બી.એસ.કે. ટીમ, સીવીલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટર્સ તથા સરકારનો આભાર માન્યો હતો.
જિલ્લાના બાળકો તંદુરસ્ત રહે, તે માટે આરોગ્યની ટીમને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાલીનું માર્ગદર્શનમાં મળતું રહે છે.