GUJARATJASDALRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણમાં ૨૮૭ દિવ્યાંગોને ૪૯૮ વિવિધ પ્રકારના સાધન સહાય વિતરણ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું

તા.૨૪/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂ. ૪૮,૫૧,૯૮૫/- ના ૪૯૮ પ્રકારના વિવિધ જીવન ઉપયોગી સહાયક સાધનોનું ૨૮૭ દિવ્યાંગોને મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’’ઉકિતને સાર્થક કરવા પ્રધાન મંત્રીશ્રી અને મુખ્ય મંત્રી શ્રીના માર્ગદર્શન અન્વયે જસદણ અને વીંછિયા વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ અને સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જીલ્લા ખાતેના અસ્થિ વિષયક ખામી ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને એસ.આર. ટ્રસ્ટ રતલામ (મધ્ય પ્રદેશ) દ્વારા એડિપ સ્કિમ અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા આયોજીત રાજકોટ(ગુજરાત)માં પ્રથમ વખત મોબાઇલ વર્કશોપના માધ્યમથી કેમ્પ સ્થળ પર જ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિના મુલ્યે ટ્રાય સાયકલ, વ્હિલ ચેર, હિયરીંગ એડ મશિન, બેટરીથી સંચાલીત મોટર સાયકલ, વોકિંગ સ્ટીક, કાખ ઘોડી, સી.પી. ચેર, ફોલ્ડીંગ સ્ટીક વગેરે સહાયક ઉપકરણો એલીમ્કો કંપની દ્વારા દિવ્યાંગોને વિનામૂલ્યે આપવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, દિવ્યાંગો પગભર થાય તે માટે ઉદ્યોગો, નાના વ્યવસાયો શરૂ કરવા અને કોઈના ઉપર નિર્ભર ના રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

સાંસદશ્રી રામભાઇ મોકરિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, દેશના ગરીબો, વંચિતો, પછાત વર્ગના લોકો અને છેવાડાના માનવી સુધી સરકારશ્રીની તમામ યોજના પૂરી પડવામાં આવે તે માટે સરકારશ્રી હંમેશા તત્પર રહે છે.

કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ કેમ્પ વિશે સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા ખાતે આ ચોથો દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાઈ રહ્યો છે. આ પહેલા જિલ્લાના પડધરી, લોધીકા અને વિછીયા તાલુકાઓ ખાતે કેમ્પનું આયોજન કરાયેલું હતું. ઉપરાંત, દિવ્યાંગોનું ઘર આંગણે જ મૂલ્યાંકન કરીને તેને સાધન સહાય પૂરી પાડવાનું આ મિશન ખૂબ જ ઉપયોગી છે.

આઈ. ઓ.સી.ના શ્રી અમિત જૈસ્વાલે જણાવ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનું મુખ્ય સૂત્ર “નેશન ફર્સ્ટ” એટલે દેશ પ્રથમ છે. અને કોર્પોરેશને કરેલા નફામાંથી ૨.૫% સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી અન્વયે સમાજ અને દેશના લોકોના જીવનમાં વધુ સુધારો કરવાના હેતુસર કાર્ય કરે છે.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ તથા ઉપસ્થિત મહાનુભાવોએ દીવ્યાંગોને હેલ્મેટ પહેરાવીને જિલ્લાભરમા ચાલી રહેલી હેલ્મેટ ડ્રાઇવને અનુસરવાની અપીલ કરી હતી.

આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમની આભાર વિધિ પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવાએ કરી હતી. જસદણ નગરપાલિકાના સ્ટ્રીટલાઈટ વિભાગ માટે ૯.૦ મી. હાઈટ ધરાવતા હાઈડ્રોલીક વાહન અને નગરપાલિકાના સેનીટેશન વિભાગ માટે અર્થમુવર મશીનનું મહાનુભાવોએ લોકાર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી ભાવેશભાઈ વેકરીયા, શ્રી મનોજ રાઠોડ, વિનુભાઈ ધડુક, શ્રી અશ્વિનભાઈ સાકરીયા, આઇ.ઓ.સી.ના ચીફ મેનેજર રાજેશ કરદિકર, એલીમ્કોના જનરલ મેનેજર શ્રી મૃદુલ અવસ્થી, જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડૉ. જી.પી.ઉપાધ્યાય, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.સી.કે.રાવ અને ડો.આર.જી.ખાંભલા, એલીમ્કોના ડો. આરતી ગોહિલ , જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અલ્પેશભાઈ ગોસ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!