બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે વાડલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે વાડલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત વંથલી તાલુકાની વાડલા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીગણ અને ગ્રામજનોની ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી અનંત એન. ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી ઈન્દુબેન ચાવડા વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. પ્રવેશોત્સવ અંતર્ગત નવા પ્રવેશ મેળવનાર બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને સંસ્કારયુક્ત સમાજના નિર્માણ માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વાલીગણને બાળકોને નિયમિત શાળાએ મોકલી તેમના અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનો અને વાલીગણની સક્રિય ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો. આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ અધેરાના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે શાળા પરિવાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, વાલીગણ અને સહયોગી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 






