JUNAGADHKESHOD

કેશોદમાં ‘શિક્ષણ સેવા યજ્ઞ’નો પ્રારંભ, ઝૂંપડપટ્ટીના 100 બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા 50 શિક્ષકો તૈયાર, શિક્ષકોનો સમાજસેવાનો સંકલ્પ

દરરોજ એક કલાક આપી નિરક્ષર બાળકોને શિક્ષણ અને સંસ્કાર સાથે જોડશે

કેશોદ શહેરમાં નિરક્ષર અને વંચિત બાળકો સુધી શિક્ષણ અને સંસ્કારનો પ્રકાશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે “શિક્ષણ સેવા યજ્ઞ” અંતર્ગત એક મહત્વપૂર્ણ આયોજન બેઠક શ્રી કે.એ. વણપરીયા સ્કૂલ ખાતે યોજાઈ હતી. શહેરના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા શિક્ષકો, શાળા સંચાલકો અને સેવાભાવી આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં નારાયણ વસ્તી (ઝૂંપડપટ્ટી)માં રહેતા બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું ઘડતર મળે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સેવા યજ્ઞની શરૂઆત ગુરુવાર તા. 28/05/2026થી કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં અંદાજે 100 જેટલા બાળકોને શિક્ષણ સેવા યજ્ઞ સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેશોદ શહેરના આશરે 50 જેટલા શિક્ષકોએ આ જવાબદારી નિભાવવાની તૈયારી દર્શાવી છે તથા દરરોજ ઓછામાં ઓછો એક કલાક સમાજસેવા માટે ફાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.બેઠકમાં વિશેષ ઉપસ્થિત તરીકે નાયબ મામલતદાર રસિકભાઈ સાવલિયા, ન્યુ એરા પ્રોફેસર એકેડમીના ડૉ. પ્રો. પી.એસ. ગજેરા, શ્રેયસ સ્કૂલના જગમાલભાઈ નંદાણીયા, કે.વી.એમ.ના વર્ષાબેન ભાખર તેમજ સેવાભાવી કેળવણીકાર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર હાજર રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. બી.એમ. દેવળીયા દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ઉપસ્થિત શિક્ષકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ, સેવાભાવ અને સમાજના પછાત વર્ગના બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી. બેઠકમાં વક્તાઓએ જણાવ્યું હતું કે, “એક બાળકને શિક્ષિત કરવું એટલે સમગ્ર સમાજને પ્રકાશિત કરવું.” આ વિચારને સાકાર કરવા માટે કેશોદ શહેરના શિક્ષકો હવે વંચિત બાળકોના ભવિષ્ય નિર્માણ માટે સક્રિય ભૂમિકા ભજવશે. આ આયોજન માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ બાળકોમાં સંસ્કાર, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો પણ પ્રયાસ બનશે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!