
કેશોદ શહેર અને તાલુકાભરમાં જાણીતા થયેલાં સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતાં મહાવીરસિંહજી જાડેજાના દુખદ અવસાન બાદ અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એક વિશેષ બેસણું અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, એનજીઓ, રાજપૂત સમાજના યુવા આગેવાનો અને સ્થાનીય આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમને પુષ્પાંજલિ તથા સ્મરણાંજલિ અર્પણ કરી હતી. કેશોદ પંથકમાં સામાજિક ક્ષેત્રે ન પુરાય તેવી ખોટ પડી હોય સ્વ.મહાવીરસિંહ જાડેજાને અપાયેલ સ્મરણાંજલિ કાર્યક્રમમાં પશુ પક્ષીઓ માટે સેવા કાર્યો કરવામાં આવ્યાં હતાં આ ભાવાંજલિ પ્રસંગે કેશોદ ભારત વિકાસ પરિષદના ડૉ. સ્નેહલ તન્નાએ સેવા, સાદગી અને સંસ્કારના પર્યાય એવા સ્વ. મહાવીરસિંહ જાડેજા યાદ કરતાં તેઓ ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા હોવાનું જણાવ્યું હતું તેમજ શહેરની આઝાદ ક્લબ, જલારામ મંદિર, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજપૂત યુવા સંઘ જેવી અગ્રણી સંસ્થાઓમાં પણ તેઓ પ્રમુખ અને મંત્રી જેવા વિવિધ પદે રહીને સમાજ ઉત્થાનના કાર્યોને વાગોળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વ . મહાવીરસિંહ જાડેજા એ પત્રકારત્વ ક્ષેત્રમાં રહી સમાજ સેવામાં પણ તેમનું વિશેષ પ્રદાન રહ્યું હતું તેમણે ‘ગુજરાત ન્યૂઝ’ માં લાંબા સમય સુધી સબ એડિટર અને એંકર તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી. શહેર કે ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓને ઉજાગર કરવી અને સમાજના વણ ઉકેલાયેલા પ્રશ્નોને વાચા આપવી એ તેમનો સહજ ગુણ હતો. પોતાનો સ્વાર્થનો વિચાર કર્યા વગર હંમેશાં સમાજ હિતને પ્રાધાન્ય આપવું એ જ સાચી પ્રભુતા અને સેવા છે, તેવા જીવનમંત્ર સાથે તેઓ જીવન જીવ્યાં હતાં. તેમના વ્યકિત્વમા સેવા, સાદગી, સંસ્કાર, સત્ય, પ્રેમ, કરુણા, નિડરતા, ધર્મપરાયણતા અને દેશભક્તિ જેવા અનેક ઉમદા ગુણો વણાયેલા હતા. પ્રાર્થના સભામાં સ્વ. મહાવીરસિંહજી જાડેજાના બંને પુત્રો સહિત તેમનો પરિવાર ખાસ જામનગરથી ઉપસ્થિત રહ્યો હતો. તેમના આ સ્મરણાર્થે પ્રસંગે દિવંગત આત્માની શાંતિ અર્થે ઉપસ્થિત રહેલા આશરે 300 જેટલા લોકોને પક્ષીઓ માટે ચણ (જુવાર) અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગાયોને લાડુ ખવડાવવા જેવું સેવાકાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દુખદ પ્રસંગે ગુજરાત ન્યુઝ પરિવારના ડાયાભાઈ દેસાઈ, હરદેવસિંહ રાયજાદા, બળદેવસિંહ ગોહિલ, પત્રકારો સહિતનાઓએ સ્વ.મહાવીરસિંહ જાડેજાના સેવા કાર્યને યાદ કર્યા હતાં. આ શ્રદ્ધાંજલિ પ્રસંગે શહેરભરમાંથી ઉપસ્થિત તમામ આગેવાનો અને સંસ્થાઓએ પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી અને તેમનું વિરલ વ્યક્તિત્વ સૌ માટે પ્રેરણારૂપ બની રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





