સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬, પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે જવા રવાના : મતદાન મથક ખાતે મતદાનની પૂર્વ તૈયારીઓ સાથે રાતવાસો કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬, પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે જવા રવાના : મતદાન મથક ખાતે મતદાનની પૂર્વ તૈયારીઓ સાથે રાતવાસો કરશે

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે જૂનાગઢ ખાતે ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રીની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, આ સાથે ફરજ પરના અધિકારી -કર્મચારીઓ સાથે સંવાદ સાધી ચૂંટણી સંલગ્ન કામગીરી અને વ્યવસ્થાઓ સંદર્ભે પ્રતિભાવો મેળવ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ મશીનરી અને પાવર ઇજનેર વિભાગ – ડિસ્પેચિંગ સેન્ટર ખાતે જૂનાગઢ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સંલગ્ન બેઠકો માટેની ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રીનું પોલિંગ સ્ટાફને વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પોલિંગ પાર્ટી ફરજ પરના મતદાન મથક ખાતે જવા માટે રવાના થઈ હતી. પોલિંગ પાર્ટી મતદાન મથક ખાતે પહોંચ્યા બાદ આવતીકાલ તા.૨૬ એપ્રિલના રોજ થનાર મતદાનની જરૂરી પૂર્વ તૈયારીઓ કરશે અને રાતવાસો પણ મતદાન મથક ખાતે કરશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને પોલિંગ સ્ટાફને ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે, સાથે જ સુરક્ષા વ્યવસ્થા સાથે પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે પહોંચશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. જિલ્લા કલેક્ટરશ્રીએ લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે અચૂક મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, આવતીકાલ તા.૨૬ એપ્રિલે સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમિયાન મતદારો મતદાન કરી શકશે. મતદાન પ્રક્રિયા શરૂ થયા એ પૂર્વે રાજકીય પક્ષોના એજન્ટની ઉપસ્થિતિમાં મોકપોલ સહિતની પ્રક્રિયા પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ૪ ઉમેદવારોને મત આપવાનો હોય છે તેને સિલેક્ટ કરીને રજીસ્ટર બટન દબાવવું જરૂરી છે, જેથી વોટ રજીસ્ટર થઈ જાય. ઉપરાંત જિલ્લા – તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન મથક ખાતે અલગ અલગ મત કુટીર હશે, તેમાં જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારોને મત આપવાનો રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની આ મુલાકાત દરમિયાન પ્રાંત અને ચૂંટણી અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ અને તાલુકા પંચાયતની ચૂંટણીના ચૂંટણી અધિકારી અને મામલતદાર શ્રી પુરોહિત સાથે રહ્યા હતા અને જરૂરી વિગતોથી અવગત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લાની ૯ તાલુકા પંચાયત સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતની સંલગ્ન બેઠકો, અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લામાં જુદા જુદા ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી પોલિંગ સ્ટાફને ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








