‘ગુજરાતમાં મહંત બનવા માટે પણ ભાજપમાં ફંડ આપવું પડે છે.’ : મહંત મહેશગિરી
જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે વિરોધ વચ્ચે અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક કરવામાં આવી છે. જેમાં અખાડા પરિષદે પ્રેમગીરી બાપુની મહંત પદે નિયુક્તિ કરી છે. જૂનાગઢના અંબાજીના મહંત બ્રહ્મલીન થતાની સાથે જ જૂનાગઢમાં શરૂ થયેલો આ વિવાદ આવનારો દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પણ શક્યતા છે.
ભૂતનાથ મહંત મહેશગીરીએ લેટર જાહેર કરી ઘટસ્ફોટ કર્યો કે ભવનાથના મહંત બનવા માટે અમિત શાહ મારફતે પાંચ કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટી ફંડ આપવામાં આવ્યું હતું. આ સિવાય મહંત હરિગીરીએ જૂનાગઢ કલેકટર આલોક કુમાર પાંડે, કલેકટર રાહુલ ગુપ્તાને પણ 50-50 લાખ આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે, તો ભવનાથના સાધુ ભારતીબાપુ ઇન્દ્રભારતી, શેલજાદેવી પુનિતાચાર્ય સહિતનાઓને 25 થી 50 લાખ આપવામાં આવ્યાં.
ભૂતનાથ મહંત મહેશગીરીએ કહ્યું કે, ‘ભવનાથના મહંત બનવા હરીગીરીએ કુલ આઠ કરોડ આપ્યાનો શ્રી પંચ દશનામ જુના અખાડામાં પત્રમાં ઉલ્લેખ છે. સાથે જ હરીગીરીએ અખાડાના કરોડો રૂપિયાની હેરાફેરી કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે.’ મહેશગીરીએ કહ્યું કે ‘હરિગીરી ગીરનાર અને ભવનાથ છોડી દે નહિતર હજુ વધુ કૌભાંડ બહાર પાડીશ અને હરિગીરી ભાજપ નેતા અમિત શાહનું નામ લઈ અધિકારી, સાધુ સંતો અને લોકોને દબાવવાનું બંધ કરે.’
જૂનાગઢમાં ભવનાથના મહંત સહિત સાધુઓએ પ્રેમગીરી મહારાજની નિમણૂક કરી છે, ત્યારે બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારોએ ઉગ્ર વિરોધ કર્યો. બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારજનોએ માગ કરી છે કે, અમારી પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે. અન્ય મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે.
પ્રેમગીરી બાપુએ કહ્યું કે, ગાધિપતિ કોઈ કાંઈ લખીને અથવા કોઈ ઉત્તરાધિકારી નિયુક્ત કરીને ગયા હોત તો કોઈ વિરોધ ન થાત. જ્યારે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, અખાડાની સર્વે સંતોએ નિર્ણય લઈને પ્રેમગીરી મહારાજને મહંત ઘોષિત કર્યા છે.