કાલોલ:ટીંબાગામ શાળામાં સમરસ ચૂંટણી યોજાઈ: વિદ્યાર્થીઓએ શીખ્યા લોકશાહીના પાઠ.

તારીખ ૨૦/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ટીંબાગામ પ્રાથમિક શાળા, તા. ગોધરા, જી. પંચમહાલ ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ, સહકાર અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી સમરસ પદ્ધતિથી બાળસંસદની રચના કરવામાં આવી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સમરસ ચૂંટણીનું મહત્વ સમજાવતા જણાવાયું કે સમરસ ચૂંટણી મતભેદને બદલે સહમતિ, એકતા, ભાઈચારો અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે. સમરસ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં પરસ્પર વિશ્વાસ, સામૂહિક નિર્ણય લેવાની ક્ષમતા અને સૌને સાથે લઈને આગળ વધવાની ભાવના વિકસે છે. આવી ચૂંટણીથી સમય, શક્તિ અને સંસાધનોનો બચાવ થાય છે તેમજ શાળામાં હકારાત્મક અને સુમેળભર્યું વાતાવરણ સર્જાય છે. ત્યારે સમરસ બાળસંસદ માટે વિદ્યાર્થીઓએ સર્વાનુમતે હોદ્દેદારોની પસંદગી કરી હતી. ત્યારબાદ તમામ હોદ્દેદારોને તેમના અધિકારો, ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળસંસદ શાળાની સ્વચ્છતા, શિસ્ત, નિયમિત હાજરી, વૃક્ષારોપણ, વાંચનપ્રવૃત્તિ, રમતગમત તથા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બની શાળાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ એ જણાવ્યું કે બાળસંસદ માત્ર વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નથી, પરંતુ જવાબદાર, સંવેદનશીલ અને લોકશાહી મૂલ્યો ધરાવતા ભાવિ નાગરિકોના ઘડતરનું એક અસરકારક માધ્યમ છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના વાતાવરણમાં યોજાયો હતો.અંતમાં સમરસ બાળસંસદના તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.







