વેજલપુર સ્થિત એસ.આર. દવે કન્યા વિદ્યાલયમાં કંચનલાલ સોની પરિવારની સ્વ. સ્વીટીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

તારીખ ૩૦/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર સ્થિત એસ.આર. દવે કન્યા વિદ્યાલયના ઉમંગેશ્વર પ્રાર્થના હોલ ખાતે સ્વ. સ્વીટીની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી અવિરતપણે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શાળામાં યોજવામાં આવે છે.કાર્યક્રમના પ્રારંભે આમંત્રિત અતિથિઓ દ્વારા સ્વ. સ્વીટીની તસ્વીર પર પુષ્પહાર અર્પણ કરી, ધૂપ-દીપ પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ તથા સંગીત સમ્રાટ ગોપાલભાઈ દ્વારા સૂરમય પ્રાર્થના, ભજન અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમની ભાવસભર શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગત વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીનીઓને કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા પ્રોત્સાહક પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરનાર ૧૭ વિદ્યાર્થીનીઓને ગીતાબેન મહેન્દ્રભાઈ સોની તરફથી રોકડ ઈનામ તથા પરેશકુમાર સોની પરિવાર (અમદાવાદ) તરફથી ૧૨ ટિફિન બોક્સ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.આ શ્રદ્ધાંજલિ સભામાં વેજલપુર પોલીસ મથકના પી.આઈ. જી. કે. વહુનીયા તથા ‘શી ટીમ’ના હેડ કોન્સ્ટેબલ મેનકાબેન અને જયપાલસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યા હર્ષાબેન પંચાલ, પી.આઈ જી કે. વહુનીયા અને મહેન્દ્રભાઈ સોનીએ પોતાના પ્રાસંગિક વક્તવ્યો દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવા બદલ કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા પી.આઈ. શ્રી જી. કે. વહુનીયા તથા શી ટીમના હેડ કોન્સ્ટેબલ મેનકાબેનને ઋણસ્વીકાર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા હર્ષાબેન પંચાલે ઉપસ્થિત સૌ અતિથિઓ, દાતાઓ અને સ્ટાફગણનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.







