કિડની-આરોગ્ય જાળવણીનું અભિન્ન અંગ
ચોંકાવનારી હકીકત: કિડનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ખૂબ જ ઓછી! માત્ર ૭% લોકો જાણે છે કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે કઈ લોહીની તપાસ કરાવવી જરૂરી છે!!
વિશ્વ કિડની દિવસ ૨૦૨૫ નું સ્લોગન “શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો”
ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં ૧૩ માર્ચ ૨૦૨૫ના દિવસે ૨૦ માં કિડની આરોગ્ય જાગૃતિ દિવસની ઉજવણી થશે. વિશ્વ કિડની દિવસ – ૨૦૨૫ નું સ્લોગન છે “શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો” છે. આ સંદર્ભે કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં કિડનીના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વિશે અતિ ચિંતાજનક માહિતી બહાર આવી છે. સર્વેક્ષણ કરાયેલા ૧૦૪૨ વિદ્યાર્થીઓમાંથી, માત્ર ૭% વિદ્યાર્થીઓ જાણતા હતા કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રીએટીનીન અથવા ઇજીએફઆર ની તપાસ જરૂરી છે.
જયારે વિશ્વ કિડની દિવસ ૨૦૨૫ ની થીમ “શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો,” ત્યારે ૯૩% વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે કિડની રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી જોઈએ! જાગૃતિનો આ નોંધપાત્ર અભાવ ખૂબ જ ચિંતાજનક અને વિચાર માંગી લે તેવી કડવી વાસ્તવિકતા છે અને તે કિડની રોગના વહેલા નિદાન અને નિવારણ માટે જનજાગૃતિની તાતી અને વ્યાપક જરૂરિયાત દર્શાવે છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય છે, પરંતુ ૯૦% કરતા વધુ લોકો તેમના રોગો અંગે અજાણ છે. આ સંદર્ભે રાજકોટની જાણીતી કિડની એજ્યુકેશન વેબસાઈટ વિશ્વભરના લોકોને ૪૦ ભાષામાં એટલે કે તેમની માતૃભાષામાં કિડની અંગે નિઃશુલ્ક સંપૂર્ણ માહિતી આપી આ સ્લોગનને પૂર્ણ કરતી એકમાત્ર વેબસાઈટ છે. રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાત ડૉ. સંજય પંડયા અને વિશ્વના ૧૦૦ થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ www.KidneyEducation.com વેબસાઈટમાં કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી ૧૨ ભારતીય અને ૨૮ આંતરરાષ્ટ્રીય ભાષામાં આપેલ છે.
આ ચોંકાવનારા પરિણામો શા માટે મહત્વના છે? કારણકે કિડની રોગનો બોજો ભયજનક રીતે વધી રહ્યો છે – વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે. દર દસમાંથી એક વ્યકિતને ક્રોનિક કિડની ડીસીઝ (સી.કે.ડી.) થવાનો ભય રહે છે. ક્રોનિક કિડની ડીસીઝ એ હવે વિશ્વમાં મૃત્યુનું ૮મું મુખ્ય કારણ બની ગયું છે. સી.કે.ડી. ની તકલીફ ધરાવતા ૯૦% લોકો તેમના રોગો અંગે અજાણ હોય છે. દર ૩ માંથી ૧ ડાયાબિટીસના દર્દીને કિડની રોગ થવાનો ભય રહે છે. ઘણા કેસોમાં ક્રોનિક કિડની ડીસીઝ અટકાવી શકાય છે, પરંતુ જાગૃતિ ઓછી હોવાથી નિદાન મોડું થાય અને સારવારથી ફાયદા ની તકો ગુમાવી દેવાય છે.
જાગૃતિ અને તાત્કાલિક પગલાં લેવાની તાતી જરૂરિયાત શા માટે છે? આ અંગે રાજકોટના વરિષ્ઠ નેફ્રોલોજિસ્ટ અને કિડની એજ્યુકેશન વેબસાઈટ (૪૦ ભાષાઓમાં ઉપલબ્ધ) ના સ્થાપક ડૉ. સંજય પંડ્યા ચેતવણી આપે છે કે આ ચોંકાવનારા સર્વેના પરિણામો સામાન્ય જનતામાં કિડની રોગ અંગેની પ્રાથમિક માહિતી અને જાગૃતિના ગંભીર અભાવ ને દર્શાવે છે. ડોકટરો, કિડની સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસોની અત્યંત વહેલી તકે જરૂરિયાત પર ભાર મૂકતા, તેઓ જણાવે છે કે: કિડની રોગ અને તેના વહેલા નિદાન વિશે જાગૃતિ ફેલાવવી અત્યંત આવશ્યક છે. વર્ષમાં એકવાર કિડની ચેકઅપને પ્રોત્સાહન આપવું (ખાસ કરીને કિડની રોગ થવાનું જોખમ વધારે હોય તેવી વ્યક્તિઓ માટે.) સીરમ ક્રીએટીનીન અને ઇજીએફઆર જેવી લોહીની સરળ તપાસ વિશે જનજાગૃતિ ફેલાવવી અને કિડની રોગના વહેલા નિદાન માટે તેના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઇએ તેવું ડો. પંડયા જણાવે છે.
કિડનીના રોગોથી બચવા તમે આટલું જાણો: કિડની વિશે પ્રાથમિક માહિતી મેળવો, કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો જાણો, તમારું લોહીનું દબાણ અને બ્લડ સુગર ચેક કરાવો, કિડનીના રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી તે વિશે જાણો, કિડનીની તકલીફથી બચવાના ઉપાયો વિશે જાણો.
ડો. સંજય પંડ્યા દ્વારા કિડની વિશે પ્રાથમિક માહિતી આ મુજબ છે. કિડની ફેલ્યર એટલે શું? જયારે બંને કિડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી,જેથી લોહીની તપાસમાં ક્રીએટીનીન નું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યર નું નિદાન થાય છે. દર્દીની એક કિડની સાવ બગડી જાય તો દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રીએટીનીનની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી. ક્રોનિક કિડની ડીસીઝ – સી.કે.ડી. એટલે શું? ધીમે ધીમે લાંબે ગાળે ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડે તેને ક્રોનિક કિડની ડીસીઝ એટલે સી.કે.ડી કહે છે. શું તમે જાણો છો? ક્રોનિક કિડની ફેલ્યર સાઇલેન્ટ કિલર છે નિદાન અને સારવાર અતિ ગંભીર પ્રશ્ન કેટલાક દર્દીઓમાં બંને કિડની ૯૦% બગડી જાય ત્યાં સુધી કોઈ નોંધપાત્ર તકલીફ જોવા મળતી નથી.
કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો, સી.કે.ડી.ની તકલીફ છે તેનો ખ્યાલ કઈ રીતે આવે? કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ના થાય ત્યાં સુધી રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી. ક્રોનિક કિડની ફેલ્યરનાં વહેલા નિદાન માટે રોગનાં મહત્વનાં લક્ષણો અંગે જાણો. કિડની રોગના ચેતવણીજનક ચિન્હો: * નબળાઈ લાગવી, થાક લાગવો. * ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા. * આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા. * નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો. *લોહીમાં ફિક્કાશ હોવી. * પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું. જો કોઈ વ્યકિતને આ મુજબનાં ચિહ્નો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે. સી.કે.ડી.નું જોખમ વધુ ક્યારે? કિડનીની તકલીફ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ કારણોથી જોખમ વધુ રહે છે. * ડાયાબીટીસની બીમારી, લોહીનું દબાણ ઉંચુ હોવું અથવા વજન અતિ વધારે હોવું (Obesity). * કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય * મુત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય * લાંબા સમય માટે દુઃખાવાની દવા લીધી હોય અથવા ધૂમ્રપાનની ટેવ હોવી.
કિડની ચેકઅપ સરળ – ફકત આટલું કરો. કિડનીના રોગોનું વહેલું નિદાન જીવલેણ રોગોથી બચાવી શકે છે. કિડનીનાં રોગનાં વહેલા નિદાન માટેની સરળ પદ્ઘતી તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. દરેક વ્યક્તિ એ જાણવું જરૂરી છે કે પોતાની કિડની કેટલી કામ કરે છે. કિડની ની કાર્ય ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવતી લોહીની તપાસ ક્રીએટીનીન તથા ઇજીએફઆર છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની પ્રારંભિક નિશાની હોઈ શકે છે.
કિડનીના રોગોથી બચવા માટે શું કરશો? કિડનીને સલામત, તંદુરસ્ત રાખવાના ઉપયોગી સરળ સૂચનો: ૧. નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું, ૨. પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું: ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી-તેલ અને ફાસ્ટફુડનો ઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ પ-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. 3. ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો: ડાયાબીટીસનાં પ0% જેટલા દર્દીઓમાં કિડનીને નુકશાન થવાનો ભય રહે છે. તેથી ડાયાબીટીસનાં દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો કિડની ચેકઅપ અચૂક કરાવવું જોઈએ. ૪. લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો: લોહીનું દબાણ ૧૩0/૮0 થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. ૫. પાણી વધારે પીવું: તંદુરસ્ત વ્યકિતએ રોજ ર લીટર (૧૦-૧ર ગ્લાસ) થી વધુ પાણી પીવું. ૬. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો. ૭. ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી. દેશી દવા કિડનીને નુકશાન કરી શકે છે. ૮. રૂટીન હેલ્થ ચેક અપ: કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય ત્યારે અને ૪0 વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે કિડની ચેકઅપ (લોહીનું દબાણ, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રીએટીનની તપાસ) કરાવવું જોઈએ. ૯. કિડનીનાં રોગનાં ચિહ્નો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી.
કિડની સ્વસ્થ રાખવા માટે વિનામૂલ્યે ૪૦ ભાષામાં રસપ્રદ માહિતી આપતી વિશ્વની એકમાત્ર વેબસાઈટ www.KidneyEducation.com: કિડની રોગો સાથે સ્વસ્થ રહેવા માટે સૌથી વધુ ૪૦ ભાષામાં જાણકારી: વિશ્વના દરેક ભાગમાં વ્યક્તિ પોતાની માતૃભાષામાં જાણકારી સરળતાથી મેળવી શકે તે માટે આ વેબસાઈટમાં ૪૦ ભાષામાં કિડની વિશે સંપૂર્ણ માહિતી નિઃશુલ્ક ઉપલબ્ધ છે. ૨૦૦ પાનાનું “તમારી કિડની બચાવો” પુસ્તક ૪૦ ભાષામાં અનુકુળતા મુજબ વિનામૂલ્યે વાંચન કરવા માટે ઓનલાઈન રીડીંગ, પીડીએફ ડાઉનલોડ તથા વ્હોટસએપ (9426933238) દ્વારા પુસ્તક મેળવવાના મનપસંદ વિકલ્પો છે.
વિશ્વનીય માહિતી માટે ૧૦૦ આંતરરાષ્ટ્રીય કિડની નિષ્ણાતોની ટીમ: ૪૦ ભાષામાં કિડની પુસ્તકો તૈયાર કરવાનો યશ વસુધૈવ કુંટુંબકમની વ્યાખ્યા ને પરિપૂર્ણ કરતી આ વિશ્વભરના ૧૦૦ થી વધુ સેવાભાવી કિડની નિષ્ણાતોની ટીમને ફાળે જાય છે. ૧૦ કરોડથી વધુ હિટ્સ: ૧૫૦ મહિનાઓમાં દશ કરોડથી વધુ હિટસ્ અને આઠ લાખથી વધુ પુસ્તકોના ડાઉનલોડ સાથે કિડની અંગે માહિતી આપવામાં વિશ્વભરમાં અગ્રેસર. જે આ વેબસાઈટની લોકપ્રિયતા દર્શાવે છે. વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનિત વેબસાઈટ: એક જ વેબસાઈટમાં વિશ્વમાં સૌથી વધુ ભાષામાં ઈ-બુક (PDF) ઉપલબ્ધ હોવાના અમુલ્ય યોગદાન માટે કિડની એજયુકેશન વેબસાઈટને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચંડ સમર્થન: ૨૦ થી વધુ વિશ્વના સૌથી નામાંકિત આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા કિડની એજ્યુકેશન વેબસાઈટને સમર્થન તટસ્થ સચોટ માહિતી: સ્પોન્સરશીપ, ઍડવર્ટાઈઝમેન્ટ કે ડોનેશન વગરની આ વેબસાઈટ કિડની વિશે તટસ્થ માહિતી આપશે. વિકિપીડિયામાં માહિતી:કિડની એજયુકેશન વેબસાઈટ અંગે વિકિપીડિયામાં આપવામાં આવેલ વિસ્તૃત માહિતી આ વેબસાઈટની મહત્તતા સુચવે છે.
ડૉ. સંજય પંડ્યાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ: ચેન્નાઈમાં તામિલનાડુના આરોગ્ય મંત્રી દ્વારા ડૉ. સંજય પંડ્યા ને “લા-રેનોન ટેન્કર ફાઉન્ડેશન લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા, જે કિડની એજ્યુકેશન અને ફ્લુઈડ થેરાપી ક્ષેત્રે ૨૫+ વર્ષના અનન્ય યોગદાન માટે આપવામાં આવ્યો હતો. ડૉ. પંડ્યા દ્વારા નિર્મિત વિશ્વની સૌથી મોટી કિડની એજ્યુકેશન વેબસાઈટ ૪૦ ભાષાઓમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે , અને આ પ્રોજેક્ટ દ્વારા લાખો દર્દીઓને ફાયદો પહોંચ્યો છે. ઉપરાંત, ડૉ. પંડ્યાનું પુસ્તક પ્રેકટીકલ ગાઇડલાઇન ઓન ફલુઇડ થેરેપી (Practical Guidelines on Fluid Therapy) ૧,૦૦,૦૦૦ થી વધુ ડૉક્ટરો સુધી પહોંચ્યું છે, જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આઇવી ફ્લુઈડ થેરાપી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓએ તાજેતરમાં ફ્લુઈડ થેરાપીની નવી ૨૦૨૪ આવૃત્તિની માહિતી વિનામૂલ્યે વિશ્વભરના ડૉક્ટરો ને પહોંચાડવા માટે નવી વેબસાઈટ શરૂ કરી છે, (www.fluidtherapy.org).
સંપર્ક: ડૉ. સંજય પંડયા, એમ.ડી., ડી.એન.બી., કિડની રોગ નિષ્ણાત, ફાઉન્ડર અને ચીફ મેન્ટર, કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન,સમર્પણ હોસ્પિટલ, ભૂતખાના ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ. ફોન : 0281-2222077| ઈમેઈલ : saveyourkidney@yahoo.co.in વેબસાઇટ: www.KidneyEducation.com
_________________________
—-regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com