
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સાપુતારા પોલીસની સંયુક્ત ટિમોએ બાતમીના આધારે દાહોદના કુખ્યાત ચામઠા ગેંગના તસ્કરોને પકડી પાડી ઘર ફોડ ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.ડાંગ જિલ્લાનાં નવાગામ,મુંરંબી અને ગોટિયામાળ ગામમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી.જે અનુસંધાને પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા. ડાંગ જિલ્લા એલસીબીનાં પી.એસ.આઈ.કે.જે.નિર્ણજનની ટીમ તથા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલનો ડી સ્ટાફ એલર્ટ મોડમાં આવી વર્કઆઉટમાં હતી.તે દરમિયાન સંયુક્ત બાતમીના આધારે દાહોદ એલસીબી શાખાનો કોન્ટેક કરીને આ ચામઠા ગેંગનાં તસ્કરોને હસ્તગત કર્યા હતા.ડાંગ જિલ્લા પોલીસ એ પોકેટકોપ તથા ઈ – ગુજકોપની મદદથી સાપુતારા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં ડાંગ જિલ્લાની પોલીસ સફળ બની હતી.આ ગુનામાં પોલીસે અવિનાશભાઇ કિડુભાઇ ચામઠા ( ઉ.વ.24, રહે. ગરાડુ ઠળીયા દેવ ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ) તથા ભગીરથભાઇ ચંદુભાઇ ચામઠા,( ઉ.વ.30, રહે.ગરાડુ ઠળીયા દેવફળીયા તા.ઝાલોદ, જી.દાહોદ)ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ તેઓ પાસેથી રોકડ રકમ 18,500/- તથા મોટરસાયકલ રજી. નં.GJ-27-FJ-1532 જેની કિંમત રૂપિયા 1 લાખ તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂપિયા 15 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 1,33,500/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી,વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.તેમજ આ અંગે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલ તથા પી.એસ.આઈ.પી.ડી.ગોંડલિયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.





